22 December, 2024 08:54 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ (ડાબે), વસીમ અકરમ (વચ્ચે), જસ્ટિન લૅન્ગર (જમણે)
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયાના બૅટ્સમેનોની ઊંઘ હરામ કરી દીધી છે. તે ખાસ કરીને ટૉપ-થ્રી બૅટ્સમેન સામે સૌથી સફળ રહ્યો છે. આ સિરીઝમાં ત્રણ ટેસ્ટમાં ૨૧ વિકેટ લેનાર બુમરાહની ખતરનાક બોલિંગ જોઈને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન પ્લેયર અને કોચ જસ્ટિન લૅન્ગર કહે છે કે ‘જ્યારે પણ મને શ્રેષ્ઠ બોલર વિશે પૂછવામાં આવે છે ત્યારે હું પાકિસ્તાનના ડાબા હાથના ફાસ્ટ બોલર વસીમ અકરમનું નામ લઉં છું. મારા માટે બુમરાહ જમણા હાથનો વસીમ અકરમ છે. હું ક્યારેય તેનો સામનો કરવા માગતો નથી.’
બન્ને બોલર્સની ખૂબી ગણાવતાં જસ્ટિન લૅન્ગર કહે છે, ‘તેમની પાસે સારી ગતિ છે અને તેઓ મહાન બોલર્સની જેમ જ બૉલ ફેંકે છે. તેઓ સારા બાઉન્સર ફેંકી શકે છે. બન્ને દિશામાં સ્વિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેમની સીમ એકદમ પર્ફેક્ટ છે. જો તમે આ બધું કરવામાં નિષ્ણાત છો તો તમે બેધારી તલવાર બની જાઓ છો. એથી જ તેમનો સામનો કરવો એ એક દુઃસ્વપ્ન સમાન છે.’