✕

IPL 2027 પહેલાં ૧૮ કરોડની ટ્રેડ ડીલ કન્ફર્મ: હાર્દિકના મુંબઈને રામરામ: અર્શદીપ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો

11 November, 2026 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPL 2027નો આરંભ થાય એ પહેલાં જ મોટો ટ્રેડ થયો છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ વચ્ચેની ટ્રેડને લઈને અટકળો કરવામાં આવી રહી હતી અને હવે તેનો અંત આવ્યો છે.

હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ

IPL ૨૦૨૭ (IPL 2027)નો આરંભ થાય એ પહેલાં જ મોટી ટ્રેડ ડીલ થઇ છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ વચ્ચેની ટ્રેડને લઈને અટકળો કરવામાં આવી રહી હતી અને હવે તેનો અંત આવ્યો છે. આજે બુધવારે ૧૧ નવેમ્બરે આઈપીએલ દ્વારા ઑફિશિયલ રીતે જણાવવામાં આવ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને પંજાબ કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વચ્ચે ટ્રેડ પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી આઈપીએલ સિઝનમાં હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સની જર્સીમાં રમતો જોવા મળશે જ્યારે ભારત તરફથી ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેનાર અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મેદાનમાં ઉતરવાનો છે.

જોકે આ બંને પ્લેયરના ટ્રેડ અંગે ઘણા લાંબા સમયથી ક્રિકેટ વર્તુળોમાં (IPL 2027) ચર્ચા ચાલી રહી હતી. ગઈકાલે જાણીતા સ્પોર્ટ્સ-જર્નલિસ્ટ વિમલ કુમારે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં અર્શદીપ સિંહના પપ્પાએ આ વાતની પુષ્ટિ કરી દીધી હતી. અર્શદીપના પિતાના આ નિવેદન બાદ જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને સહુ ક્રિકેટપ્રેમીઓ ઑફિશિયલ જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. હવે આજે ફાઇનલી આઈપીએલ તથા મુંબઈ ઈન્ડિયન્સે ખુદ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આ ટ્રેડ અંગેની માહિતી આપીને સમાચાર પર મહોર મારી હતી. 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ટ્રેડમાં હાર્દિક પંડ્યાને તેની જૂની સેલેરી કરતાં વધારે રકમ મળી છે. રિપોર્ટ્સ પ્રમાણે આઈપીએલ ૨૦૨૬ની સિઝનમાં હાર્દિક પંડ્યા ૧૬.૫ કરોડ રૂપિયાની રકમ સાથે રમ્યો હતો, પરંતુ પંજાબ કિંગ્સમાં જોડાવા માટે તેને ૧૮ કરોડ રૂપિયાનું માનધન મળવાનું છે. તો બીજી તરફ ભારતીય ટીમનો સ્ટાર ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ તેની હાલની ૧૮ કરોડ રૂપિયાની સેલેરી પર જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જોકે મુંબઈ ઈન્ડિયન્સે (IPL 2027) તેના કૅપ્ટન રહેલા પ્લેયર હાર્દિક પંડ્યા માટે એક ખાસ વિડિયો-મેસેજ પણ શૅર કર્યો છે. તેમાં  "આભાર હાર્દિક" એવું લખીને ભાવુક વિદાય આપી છે. તેની સાથે જ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે અર્શદીપ સિંહનું ટીમમાં સ્વાગત કરતી પણ એક ખાસ પોસ્ટ શૅર કરી છે.

આઈપીએલ (IPL 2027) દ્વારા જણાવાયું છે કે IPL ૨૦૨૭ શરૂ થાય તે પહેલાં જ થનારા એક મોટી પ્લેયર ટ્રેડમાં મુંબઈ ઈન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાયો છે અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર અર્શદીપ સિંહ પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો છે. હવે સૌની નજર ત્યાં ટકેલી છે કે આ બંને પ્લેયરના આ રીતે બદલાવથી બેઉ ટીમોના પરફોર્મન્સ પર કેવી અસર પડે છે.

હાર્દિક પંડ્યા વર્ષ ૨૦૧૫માં મુંબઈ સાથે જોડાયો હતો. વર્ષ ૨૦૨૧ની સીઝન સુધી ઓલરાઉન્ડર તરીકે તેણે ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવી હતી. ૨૦૨૨માં તે ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો અને પછીની સિઝન માટે તે આ જ ટીમ સાથે રહ્યો હતો. ફરીથી ૨૦૨૪માં એ MIમાં પાછો જોડાયો હતો અને ત્રણ સીઝન રમ્યો હતો. હવે તે પોતાની કારકિર્દીમાં ત્રીજી ફ્રેન્ચાઇઝી તરફ વળ્યો છે. જ્યારે અર્શદીપ સિંહ ૨૦૧૯થી પંજાબ કિંગ્સ સાથે જોડાયો હતો. તે હવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો અગ્રણી વિકેટ લેનાર બની ચૂક્યો છે. 

sports news sports mumbai indians punjab kings arshdeep singh hardik pandya indian premier league ipl 2027 t20 international cricket news indian cricket team