10 April, 2025 07:07 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
શાર્દૂલ ઠાકુર
કલકત્તા સામે લખનઉના બોલિંગ ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે ૧૩મી ઓવરમાં ખરાબ બોલિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. પોતાની ત્રીજી ઓવરમાં તેણે સળંગ પાંચ બૉલ વાઇડ કરવાની અનોખી સિદ્ધિ મેળવી લીધી છે. આ ઓવરમાં તેણે ૧૧ બૉલ ફેંકીને ૧૩ રન આપીને કૅપ્ટન અજિંક્ય રહાણેની વિકેટ અંતિમ બૉલ પર લીધી હતી.
શાર્દૂલે એક IPL ઓવરમાં સૌથી વધુ પાંચ વાઇડ-બૉલ કરવાના મોહમ્મદ સિરાજના રેકૉર્ડની બરાબરી કરી છે. સિરાજે ૨૦૨૩માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ તરફથી મુંબઈ ઇન્ડિયન્સ સામે આ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે સૌથી લાંબી ૧૧ બૉલની IPL ઓવર ફેંકવામાં શાર્દૂલે મોહમ્મદ સિરાજ અને પોતાના મુંબઈ રણજી ટીમના સાથી બોલર તુષાર દેશપાંડેના રેકૉર્ડની બરાબરી કરી છે. બન્નેએ ૨૦૨૩માં આ રેકૉર્ડ કર્યો હતો જેમાં સિરાજે મુંબઈ સામે અને દેશપાંડેએ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે આ રેકૉર્ડ બનાવ્યો હતો.