22 March, 2025 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગેટવે ઑફ ઇન્ડિયા પાસે તાજ હોટેલમાં ટ્રોફી સાથે IPL 2025ની તમામ ટીમના કૅપ્ટન્સનું થયું ફોટોશૂટ.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના કૅપ્ટન્સ માટે મીટિંગ અને ફોટોશૂટનું આયોજન કર્યું હતું. વાનખેડે સ્ટેડિયમ પાસે BCCI હેડક્વૉર્ટર ખાતે મળેલી મીટિંગમાં મોટા ભાગના કૅપ્ટન્સની સંમતિથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કોવિડ-19 રોગચાળા દરમ્યાન બૉલ પર લાળનો ઉપયોગ કરવાની જૂની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. IPL 2025માં બોલર્સને વધુ મદદ મળી રહે એ માટે લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે જેનાથી કોવિડ-19 રોગચાળા પછી લાળનો ઉપયોગ ફરી શરૂ કરનારી આ પહેલી મોટી ક્રિકેટ-ટુર્નામેન્ટ બની છે.
અન્ય કયા નિયમોમાં ફેરફાર થયા?
અહેવાલ અનુસાર કૅપ્ટન્સ અને BCCIના અધિકારીઓની બેઠકમાં કેટલાક અન્ય નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કૅપ્ટન્સની બેઠકના એજન્ડામાં વિવાદાસ્પદ ઇમ્પૅક્ટ પ્લેયર નિયમ પણ હતો જેને BCCIએ ૨૦૨૭ સુધી લંબાવી દીધો છે. હાઈ ગોઇંગ વાઇડ-બૉલ અને ઑફ-સ્ટમ્પની બહાર વાઇડ-બૉલ માટે DRSના ઉપયોગને પણ મંજૂરી મળી ગઈ છે. સાંજની મૅચની બીજી ઇનિંગ્સમાં ઝાકળને કારણે ૧૧મી ઓવર પછી બૉલ બદલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. સાથે જ સ્લો ઓવર-રેટ બદલ કૅપ્ટન્સ પર લાગતા એક મૅચના પ્રતિબંધને હટાવી ડીમેરિટ પૉઇન્ટ્સ સિસ્ટમ અથવા ૧૦૦ ટકા મૅચ-ફીના દંડના નિયમ પર ચર્ચા થઈ છે.