23 November, 2023 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર
શાહરુખ ખાનની માલિકીની કલકત્તા નાઇટ રાઇડર્સના મેન્ટર તરીકે ગૌતમ ગંભીરની નિમણૂક કરવામાં આવી છે. એની કૅપ્ટનશિપ હેઠળ ટીમ ૨૦૧૨ અને ૨૦૧૪માં એમ બે વખત ચૅમ્પિયન બની હતી. ભારતના ટી૨૦ અને વન-ડે વર્લ્ડ કપ વિજયના હીરો રહેલા ગંભીરે ૨૦૧૧થી ૨૦૧૭ સુધી ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું તેમ જ છેલ્લી બે સીઝનથી તે લખનઉ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. લખનઉની ટીમ બન્ને વખત પ્લે ઑફ સુધી પહોંચી હતી, પરંતુ ચૅમ્પિયન બની નહોતી. પરિણામે ટીમના માલિકોએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર અને ટીમના કોચ તરીકે ટી૨૦ વર્લ્ડ કપ જિતાડનાર જસ્ટિન લેન્ગરને લીધો હતો. ત્યારથી ગંભીર છોડી જશે એવી વાતો થવા લાગી હતી. જોકે બન્ને આ વાતને નકારી રહ્યા હતા. થોડા સમય પહેલાં જ ગૌતમ ગંભીર અને શાહરુખ ખાન વચ્ચે મુંબઈમાં મીટિંગ થઈ હતી ત્યારથી જ આ વાતો ચર્ચાતી હતી, જે આખરે સાચી સાબિત થઈ હતી.
કલકત્તાના સીઈઓ વેન્કિ મૈસુરે ઘોષણા કરી હતી કે હેડ કોચ ચંદ્રકાંત પંડિત સાથે મળીને ગંભીર ટીમને આગળ લઈ જશે. ગંભીરે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘હું લાગણીશીલ વ્યક્તિ નથી. મેં જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં ફરી જઈ રહ્યો છું. મારી માત્ર કેકેઆરમાં જ વાપસી નથી થઈ રહી, હું સિટી ઑફ જૉયમાં પાછો ફરી રહ્યો છે. હું ભૂખ્યો છું. મારો નંબર ૨૩ છે. હું કેકેઆર છું.’ શાહરુખ ખાને કહ્યું હતું કે ‘ગૌતમ હંમેશાં અમારા પરિવારનો એક ભાગ રહ્યો હતો. અમારો કૅપ્ટન હવે મેન્ટરના અવતારમાં વાપસી કરી રહ્યો છે.’
ગૌતમ ગંભીર હંમેશાં પોતાની રીતે જ કામ કરવા માગે છે, એ માટે જરૂરી સત્તા પણ માગે છે. વળી, તમામ જવાબદારી પણ સ્વીકારવા તૈયાર
હોય છે.