30 September, 2024 11:48 AM IST | Bangalore | Gujarati Mid-day Correspondent
નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે બોર્ડના પ્રમુખ રૉજર બિન્ની સાથે મળીને ગઈ કાલે બૅન્ગલોરમાં નવી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)નું ઉદ્ઘાટન કર્યું હતું. હવે એ સેન્ટર ઑફ એક્સલન્સ તરીકે ઓળખાશે. NCAમાં ખેલાડીઓની પ્રૅક્ટિસ માટે તમામ પ્રકારની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
૪૦ એકરમાં ૩ મેદાન અને કુલ ૮૬ પિચ તૈયાર કરવામાં આવી છે. ત્રણેય મેદાન ઇંગ્લિશ કાઉન્ટી મેદાનની જેમ તૈયાર કરવામાં આવ્યાં છે જેમાંથી ૪૫ પિચ આઉટડોર પ્રૅક્ટિસ માટે હશે. અહીં એકસાથે અનેક ખેલાડીઓ પ્રૅક્ટિસ કરી શકે છે. મુખ્ય મેદાન ગ્રાઉન્ડ Aમાં ૮૫ યાર્ડની બાઉન્ડરી છે અને એમાં મુંબઈની ૧૩ લાલ માટીની પિચો છે જે બૉલને સારો બાઉન્સ આપશે.
આ પિચો બનાવતી વખતે ભારતીય પરિસ્થિતિઓની સાથે ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ જેવી સ્થિતિઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આ સાથે ભારતીય ખેલાડીઓ વિદેશપ્રવાસ પર જતાં પહેલાં ભારતમાં તૈયારી કરી શકશે. આ કાર્યક્રમમાં હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને વી.વી.એસ. લક્ષ્મણ જેવા ક્રિકેટર્સ પણ હાજર રહ્યા હતા.