30 May, 2026 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યજમાન અંગ્રેજ સામે T20 સિરીઝમાં ભારતીય મહિલાઓની વિજયી શરૂઆત
ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં આયોજિત આગામી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતીય ટીમે યજમાન સામે T20 સિરીઝમાં વિજયી શરૂઆત કરી છે. ગુરુવારે મોડી રાતે ૧૧ વાગ્યે શરૂ થયેલી પહેલી મૅચમાં ભારતે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરીને ૭ વિકેટે ૧૮૮ રન કર્યા હતા. જવાબમાં યજમાન ટીમ ૮ વિકેટે ૧૫૦ રન કરીને ૩૮ રને હારી હતી.
પહેલી ઓવરમાં ભારતે ૭ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. ત્રીજી વિકેટ માટે યાસ્તિકા ભાટિયા અને જેમિમા રૉડ્રિગ્સે ૧૨૬ રનની પાર્ટનરશિપ કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. યાસ્તિકા ભાટિયાએ ૪૦ બૉલમાં ૯ ફોર અને એક સિક્સની મદદથી ૫૪ રન કર્યા હતા. ચોથા ક્રમે રમીને જેમિમા રૉડ્રિગ્સે ૪૦ બૉલમાં ૧૦ ફોર અને એક સિક્સને આધારે ૬૯ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
ખરાબ શરૂઆત છતાં ભારતે ૩.૫ ઓવરમાં પોતાના ૫૦ રન પૂરા કરી લીધા હતા. ભારતે પાવરપ્લેમાં કરેલો ૭૩/૨નો સ્કોર ઇંગ્લૅન્ડ સામે કોઈ પણ ટીમનો હાઇએસ્ટ T20 પાવરપ્લે સ્કોર હતો. અંગ્રેજ ટીમની ફાસ્ટ બોલર લૉરેન બેલે ૪ ઓવરમાં ૩૪ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડ માટે વિકેટકીપર-બૅટર એમી જોન્સે ૪૮ બૉલમાં ૯ ફોરની મદદથી સૌથી વધુ ૬૭ રન કર્યા હતા. ભારત માટે પહેલી જ વખત રમી રહેલી ફાસ્ટ બોલર નંદની શર્માએ ૪ ઓવરમાં ૩૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ક્રાન્તિ ગૌડે ૪ ઓવરમાં ૨૪ રન આપીને બે વિકેટ ઝડપી હતી.
સ્મૃતિએ બનાવ્યો અનિચ્છનીય રેકૉર્ડ
ઇંગ્લૅન્ડ ટૂર માટે મોડેથી ભારતીય ટીમ સાથે જોડાયેલી રેગ્યુલર કૅપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપીને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને કૅપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે મૅચના પહેલા જ બૉલ પર સ્મૃતિ માન્ધના રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની સાથી ફાસ્ટ બોલર લૉરેન બેલ સામે કૅચ આઉટ થઈ હતી. સ્મૃતિ માન્ધના ઇન્ટરનૅશનલ મૅચના પહેલા બૉલે આઉટ થનાર ભારતની પહેલવહેલી મહિલા બૅટર બની હતી.