કોહલીએ ફૅન્સને અવગણ્યા રોહિતે સેલ્ફી-ફોટો પડાવ્યા

15 October, 2025 07:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચાર મહિના બાદ વિરાટ ગઈ કાલે લંડનથી દિલ્હી પહોંચ્યો હતો : હિટમૅન ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ​દિલ્હી રવાના થયો હતો

વિરાટ કોહલી, રોહિત શર્મા

ચાર મહિના બાદ વિરાટ ગઈ કાલે લંડનથી દિલ્હી પહોંચ્યો હતો

ભારતનો સ્ટાર બૅટર વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયા ટૂર પહેલાં ટીમ ઇન્ડિયા સાથે જોડાવા ગઈ કાલે ભારત પાછો ફર્યો હતો. લંડનથી ગઈ કાલે બપોરે નવી દિલ્હી ઍરપોર્ટ પર પહોંચેલા વિરાટ કોહલીએ ગંભીર ચહેરા સાથે બહાર કાર સુધી જવાની ઉતાવળ કરી હતી. ઍરપોર્ટ ટર્મિનલની અંદર તેને જોવા ભેગા થયેલા ફૅન્સને પણ તેણે વધારે ભાવ આપ્યો નહોતો. તેણે ફૅન્સની સેલ્ફી લેવાની ઇચ્છાને પણ અવગણી હતી.

વિરાટ કોહલીએ ૪ મહિના બાદ ભારતમાં વાપસી કરી છે. છેલ્લે તે બૅન્ગલોરમાં IPL 2025 ચૅમ્પિયન બન્યા બાદ ૪ જૂને જીતના જશનમાં થયેલી નાસભાગની દુ:ખદ ઘટના પછી પત્ની અને બાળકો સાથે લંડન રવાના થઈ ગયો હતો. અહેવાલ અનુસાર આજે ભારતીય પ્લેયર્સ દિલ્હીથી ઑસ્ટ્રેલિયા જવા રવાના થશે. ટીમ બે ગ્રુપમાં પર્થ જવા માટે ફ્લાઇટ લેશે. 

હિટમૅન ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ​દિલ્હી રવાના થયો હતો

ભારતનો અનુભવી ક્રિકેટર રોહિત શર્મા ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ગઈ કાલે મુંબઈથી દિલ્હી રવાના થયો હતો. ગઈ કાલે સાંજે તે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાં તે ફૅન્સથી ઘેરાઈ ગયો હતો. તેણે ધીરજ રાખીને મોટા ભાગના ફૅન્સ સાથે ફોટો અને સેલ્ફી પડાવ્યા હતા.

છેલ્લા બે-ત્રણ મહિનામાં ફિટ બનેલા ૩૮ વર્ષના હિટમૅને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ માટે જબરદસ્ત પ્રૅક્ટિસ કરી છે. સોમવારે મોડી રાતે તેણે મુંબઈના રિલાયન્સ કૉર્પોરેટ પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પર્સનલ ટ્રેઇનર અભિષેક નાયર અને યંગ બોલર્સ સાથે પોતાની તૈયારીને આખરી ઓપ આપ્યો હતો. 

હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું....

વન-ડે વર્લ્ડ કપ હજી અઢી વર્ષ દૂર છે. વર્તમાનમાં રહેવું મહત્ત્વપૂર્ણ છે. રોહિત-વિરાટ ઉત્તમ પ્લેયર્સ છે. આશા છે કે તે બન્નેની આ‌ૅસ્ટ્રેલિયા ટૂર સફળ રહેશે. 

virat kohli rohit sharma delhi airport indira gandhi international airport indian cricket team team india india australia sports sports news