midday

ભારત-પાકિસ્તાનની મૅચ માટે દુબઈમાં થઈ સ્ટાર્સની જમાવટ

24 February, 2025 07:43 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ અભિનેતા સની દેઓલ સાથે આ મૅચનો આનંદ લેતો જોવા મળ્યો હતો.
ભારત-પાકિસ્તાનની મૅચ જોવા દુબઈ આવેલા સ્ટાર્સ

ભારત-પાકિસ્તાનની મૅચ જોવા દુબઈ આવેલા સ્ટાર્સ

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની દુબઈમાં આયોજિત મૅચ જોવા માટે સ્ટેડિયમમાં ક્રિકેટ-ફૅન્સની સાથે બન્ને દેશના સ્ટાર્સે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ICC ચૅરમૅન જય શાહ, પાકિસ્તાન બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી, ભારતના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર સહિત ICC અને BCCIના મોટા અધિકારીઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભારતીય ટીમના સ્ટાર પ્લેયર્સ જસપ્રીત બુમરાહ, તિલક વર્મા અને અભિષેક શર્માએ પણ સ્ટેડિયમ પહોંચીને સૌને ચોંકાવ્યા હતા. T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાની પત્ની સાથે મૅચનો આનંદ લેતો જોવા મળ્યો હતો. પત્ની રિતિકા સજદેહ સહિત કૅપ્ટન રોહિત શર્માની ફૅમિલીના સભ્યો પણ મૅચ જોવા પહોંચ્યાં હતાં.

ભૂતપૂર્વ પ્લેયર્સમાંથી ભારતનો શિખર ધવન અને પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન સરફરાઝ ખાન ટ્રોફી સાથે મૅચ પહેલાં મેદાન પર આવ્યા હતા. નવી મુંબઈમાં શનિવારે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગમાં ઇન્ડિયા માસ્ટર્સ માટે સૌથી વધુ ત્રણ વિકેટ લેનાર ઇરફાન પઠાણ પણ ગઈ કાલે ભારતીય ફૅન્સ સાથે દુબઈમાં મૅચનો આનંદ માણતો જોવા મળ્યો હતો. સાઉથની સિનેમા ઇન્ડસ્ટ્રીના મેગા સ્ટાર ચિરંજીવી, પુષ્પા ફિલ્મના ડાયરેક્ટર સુકુમાર અને બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના ફોટોઝ પણ દુબઈ સ્ટેડિયમથી વાઇરલ થયા હતા. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ અભિનેતા સની દેઓલ સાથે આ મૅચનો આનંદ લેતો જોવા મળ્યો હતો.

sports news sports indian cricket team cricket news virat kohli mahendra singh dhoni dubai sarfaraz khan abhishek sharma sonam kapoor sunny deol