28 September, 2024 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાશ દીપે બે વિકેટ લીધી હતી.
ભારત અને બંગલાદેશ વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ગઈ કાલે શરૂ થયેલી બીજી ટેસ્ટના પહેલા દિવસની રમત ખરાબ વાતાવરણને કારણે બગડી હતી. ટી-બ્રેક પહેલાં ખરાબ લાઇટ અને વરસાદને કારણે રમત રોકવામાં આવી હતી. એ સમયે બંગલાદેશે ત્રણ વિકેટે ૧૦૭ રન બનાવ્યા હતા, મોમિનુલ હક ૪૦ અને મુશફિકુર રહીમ ૬ રને દાવમાં હતા. ભારતના ઓપનિંગ બોલર આકાશ દીપે બે વિકેટ લીધી હતી.
ટી-બ્રેક પહેલાં એકાએક કાળાં વાદળો ઘેરાઈ આવ્યાં હતાં અને ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરોએ લંચ-બ્રેક બાદ મૅચ રોકી દીધી હતી. કાળાં વાદળો બાદ ભારે વરસાદ પડ્યો હતો એટલે અમ્પાયરોએ દિવસની રમત પડતી મૂકી હતી અને પિચ તથા મેદાનમાં કવર્સ લગાવી દેવામાં આવ્યાં હતાં. આજે પણ ભારે વરસાદની આગાહી છે.
આ સિરીઝમાં ભારત ૧-૦થી આગળ છે. ટૉસ જીતીને ભારતે ફીલ્ડિંગ લીધી હતી અને પહેલા કલાકની રમતમાં ફાસ્ટ બોલર આકાશ દીપે બે વિકેટ લઈને કૅપ્ટન રોહિત શર્માનો નિર્ણય યોગ્ય કરી બતાવ્યો હતો. આકાશ દીપે બન્ને લેફ્ટ હૅન્ડર ઓપનરોની વિકેટ લીધી હતી, ઝાકિર હસનને શૂન્ય રને આઉટ કર્યો હતો અને શાદમન ઇસ્લામને ૨૪ રને લેગ બિફોર વિકેટ આઉટ કર્યો હતો.
કૅપ્ટન નજમુલ હોસેન શાન્તોએ ૩૧ રન બનાવ્યા હતા અને મોમિનુલ સાથે ૫૧ રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે પહેલી ટેસ્ટ-મૅચના હીરો રહેલા રવિચંદ્રન અશ્વિને તેને લંચ બાદ આઉટ કર્યો હતો. પહેલી મૅચમાં સદી ફટકારવા ઉપરાંત છ વિકેટ લેનારા અશ્વિને નજમુલને અરાઉન્ડ ધ વિકેટ બોલિંગ નાખીને લેગ બિફોર વિકેટ આઉટ કર્યો હતો.
ભારતે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. એમાં ત્રણ સીમર્સનો સમાવેશ છે જેમણે હરીફ ટીમના બૅટરોને બૅટની પાસેથી પસાર થતી ડિલિવરી દ્વારા પરેશાન કર્યા હતા. ભારત આ મૅચની સાથે સિરીઝને ૨-૦થી જીતવા માટે ફેવરિટ છે. ચેન્નઈમાં રમાયેલી મૅચ ભારતે ૨૮૦ રનથી જીતી લીધી હતી. આ સાથે એને વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિનશિપમાં મોખરાનું સ્થાન જાળવી રાખવાનો ઍડ્વાન્ટેજ છે.