14 December, 2024 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન અને રનર-અપ ટીમ સાથે જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર નલિન મહેતા, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા, કન્વીનર મથુરાદાસ ભાનુશાલી, ક્રિકેટ સબ-કમિટીના સભ્યો હેમંત ગાંધી, બ્રિજેશ નાગડા તથા ભાવિન છેડા.
ઘાટકોપર તથા આસપાસનાં પરાંઓની ૮ સ્કૂલો વચ્ચે પાંચમીથી ૧૨ ડિસેમ્બર દરમ્યાન રમાયેલી ઇન્ટર સ્કૂલ સીઝન બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાંડુપની પરાગ ઇંગ્લિશ સ્કૂલ ચૅમ્પિયન બની હતી. ગુરુવારે રમાયેલી ફાઇનલમાં ચેમ્બુરની સ્વામી વિવેકાનંદ સ્કૂલ સામે પરાગ ઇંગ્લિશ સ્કૂલે પ્રથમ બૅટિંગ કરતાં સોહમ મોહિતેના ૫૬ તથા પરીન દળવીના ૫૧ રનની મદદથી ૩૫ ઓવરમાં ૨૬૮ રન બનાવ્યા હતા. જવાબમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ ફક્ત ૨૮.૫ ઓવરમાં ૧૫૭ રનમાં ઑલઆઉટ થઈ જતાં પરાગ ઇંગ્લિશ સ્કૂલનો ૧૧૨ રનથી શાનદાર વિજય થયો હતો.
ફાઇનલ બાદ જિમખાનાના જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર નલિન મહેતા, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા, ક્રિકેટ-કન્વીનર મથુરાદાસ ભાનુશાલી તથા સબ-કમિટીના મેમ્બર્સ હેમંત ગાંધી, બ્રિજેશ નાગડા અને ભાવિન છેડાની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમનીમાં ચૅમ્પિયન અને રનરઅપ ટીમનું ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં બેસ્ટ બૅટ્સમૅન અથર્વ કોરે (૧૨૮ રન) તથા બેસ્ટ બોલર (૧૩ વિકેટ) તેમ જ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ (૧૩ વિકેટ, એક કૅચ અને એક રનઆઉટ) દક્ષ હરાર જાહેર થયા હતા.
આ ટુર્નામેન્ટનું આયોજન ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી, પરેશ શાહ, ટ્રસ્ટીગણ તથા મૅનેજિંગ કમિટીના પીઠબળ હેઠળ ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટ સબ-કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.