20 February, 2023 01:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટેસ્ટમાં કુલ સાત વિકેટ લેનાર જેમ્સ ઍન્ડરસન ગઈ કાલે વિજય મેળવ્યા બાદ મસ્તી મજાકના મૂડમાં સાથીઓ સાથે પાછો આવ્યો હતો. તસવીર એ.એફ.પી.
બેન સ્ટોક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે માઉન્ટ મૉન્ગનુઈમાં યજમાન ન્યુ ઝીલૅન્ડને બે મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પહેલા મુકાબલામાં ગઈ કાલના ચોથા દિવસે ૨૬૭ રનથી હરાવીને શ્રેણીમાં ૧-૦થી અપરાજિત સરસાઈ મેળવી હતી. ન્યુ ઝીલૅન્ડ ૩૯૪ રનના લક્ષ્યાંક સામે જેમ્સ ઍન્ડરસન (૧૮ રનમાં ચાર વિકેટ) અને સ્ટુઅર્ટ બ્રૉડ (૪૯ રનમાં ચાર વિકેટ)ને કારણે ફક્ત ૧૨૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ડેરિલ મિચલ (૫૭ અણનમ) ટીમનો એકમાત્ર હાફ સેન્ચુરિયન હતો.
પહેલા દાવમાં ૮૯ રન અને બીજા દાવમાં ૫૪ રન બનાવનાર ઇંગ્લૅન્ડના હૅરી બ્રુકને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. પહેલા દાવમાં ઇંગ્લૅન્ડે ૩૨૫ રન (૯ વિકેટે ડિક્લેર્ડ) અને ન્યુ ઝીલૅન્ડે ૩૦૬ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડે બીજા દાવમાં ૩૭૪ રન બનાવ્યા હતા.
ઇંગ્લૅન્ડ છેલ્લે ન્યુ ઝીલૅન્ડમાં ૨૦૦૮માં (૧૫ વર્ષ પહેલાં) ટેસ્ટ મૅચ જીત્યું હતું. નેપિયરની એ ટેસ્ટ માઇકલ વૉનની ટીમે ૧૨૧ રનથી જીતી લીધી હતી. ત્યારે ડેનિયલ વેટોરી કિવી ટીમનો સુકાની હતો. ન્યુ ઝીલૅન્ડના ગ્રાન્ટ ઇલિયટ અને ટિમ સાઉધીની એ કરીઅરની પહેલી જ ટેસ્ટ હતી. બીજી અને છેલ્લી ટેસ્ટ શુક્રવાર ૨૪ ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં રમાશે.