ડાયરેક્ટ હિટ, બેલ્સ પડી છતાં આઉટ નહીં? ઇન્ડિયા A શ્રીલંકન અમ્પાયર પર ગુસ્સે થઈ

09 June, 2026 08:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા ચાહકો તેને ક્રિકેટમાં સૌથી દુર્લભ રન-આઉટ દૃશ્યોમાંનો એક ગણાવી રહ્યા છે, જ્યારે નિયમોથી વાકેફ લોકો આ નિર્ણયને ટૅકનિકલી સાચો માને છે. મૅચ માટે બધા અમ્પાયર શ્રીલંકાના હતા.

વિવાદાસ્પદ રન આઉટ (તસવીર: X)

શ્રીલંકાના દામ્બુલામાં ભારત A અને શ્રીલંકા A વચ્ચે ત્રિકોણીય ODI સિરીઝની પહેલી મૅચ દરમિયાન એક દુર્લભ રન-આઉટનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો. મૅચ દરમિયાન શ્રીલંકા Aના બૅટર ચમિકા કરુણારત્નેને નૉટ આઉટ જાહેર કરવામાં આવતા ભારતીય ખેલાડીઓ ચોંકી ગયા હતા; જોકે, ત્રીજા અમ્પાયરે ક્રિકેટના નિયમોના આધારે તેને `નોટ આઉટ` જાહેર કર્યો હતો. મંગળવાર, 9 જૂનના રોજ રમાયેલી મૅચમાં, ભારત Aએ પ્રથમ બૅટિંગ કરી અને 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. જવાબમાં, શ્રીલંકા A ટીમ 48.5 ઓવરમાં 269 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે ભારત Aનો 8 રનથી વિજય થયો.

42મી ઓવરમાં વિવાદ થયો

આ વિવાદ શ્રીલંકા A ઇનિંગ્સની 42મી ઓવર દરમિયાન બની. ચમિકા કરુણારત્નેએ ઓફ-સ્ટમ્પની બહારથી બૅકવર્ડ પોઈન્ટ તરફ બૉલ રમ્યો અને ઝડપી રન લેવા દોડ્યો. જોકે, બીજા છેડેથી પાછા ફરવાનો સંકેત મળતાં, તે ક્રીઝ પર પાછો ફરવા લાગ્યો. એક ભારતીય ફિલ્ડરે ઝડપથી બૉલ વિકેટકીપર તરફ ફેંક્યો. પહેલી નજરે એવું લાગતું હતું કે સ્ટમ્પ પર ડાયરેક્ટ હિટ લગતા કરુણારત્ન રન આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ આ મામલો થર્ડ અમ્પાયરને સોંપવામાં આવ્યો.

રિપ્લેમાં શું જોવા મળ્યું

ટીવી રિપ્લેમાં જાણવા મળ્યું કે વિકેટકીપર પ્રભસિમરન સિંહે બૉલ સ્ટમ્પ સુધી પહોંચે તે પહેલાં જ પોતાના ગ્લોવ્સથી બૅલ્સ પાડી દીધી હતી. જોકે બૉલ થોડીવાર પછી સ્ટમ્પ પર વાગ્યો, બેલ્સ પહેલાથી જ સ્ટમ્પ પરથી પડી ગઈ હતી. ક્રિકેટના નિયમો અનુસાર, રન-આઉટ ત્યારે જ માન્ય છે જ્યારે બૉલ લાગવાથી બેલ્સ નીચે પડે. બેલ્સ પહેલાથી જ પડી ગયા હોવાથી, બૉલ સ્ટમ્પ પર વાગ્યો હોવા છતાં, આ ઘટનાને માન્ય રન-આઉટ માનવામાં આવતો નથી. આ આધારે, થર્ડ અમ્પાયરે કરુણારત્નેને `નોટ આઉટ` જાહેર કર્યો.