21 May, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિરીઝ જીત બાદ ટ્રોફી સાથે બંગલાદેશ ટીમ
બંગલાદેશે ગઈ કાલે બીજી ટેસ્ટના છેલ્લા દિવસે પાકિસ્તાનને ૭૮ રનથી પરાજિત કરીને ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે બંગલાદેશે બે મૅચની ટેસ્ટ-સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. પ્રથમ ટેસ્ટમાં તેમનો ૧૦૪ રનથી વિજય થયો હતો. બંગલાદેશે ઘરઆંગણે પાકિસ્તાન સામે પહેલી વાર વાઇટવૉશની કમાલ કરી હતી.
છેલ્લે ૨૦૨૪માં બંગલાદેશ પાકિસ્તાનમાં ટેસ્ટ-સિરીઝ રમવા ગયું હતું ત્યારે પણ તેમનો ૨-૦થી શાનદાર વિજય થયો હતો. આમ પાકિસ્તાનનો બંગલાદેશ સામે સતત ચોથી ટેસ્ટમાં પરાજય થયો છે અને બંગલાદેશે સતત બીજી સિરીઝમાં તેમને સંપૂર્ણ ચીત કરી દીધા છે.
૪૩૭ રનના ટાર્ગેટ સામે ગઈ કાલે છેલ્લા દિવસે પાકિસ્તાને જીત મેળવવા અને સિરીઝ બચાવવા માટે ૧૨૧ રન બનાવનાવા હતા અને બંગલાદેશને ૩ વિકેટની જરૂર હતી. સાજિદ ખાન અને મોહમ્મદ રિઝવાને સવારે ૧૦ ઓવર સુધી પ્રતિકાર કર્યો હતો. ૩૫૮ રનના સ્કોર પર સાજિદ ખાનના રૂપમાં આઠમી વિકેટ પડ્યા બાદ એ જ સ્કોર પર રિઝવાન (૯૪ રન) અને ખુર્રમ શહઝાદ (૦) આઉટ થઈ ગયા હતા. રિઝવાનને શોરિફુલ ઇસ્લામે જ્યારે સાજિદ અને શહઝાદને તૈજુલ ઇસ્લામે આઉટ કર્યા હતા. આ સાથે તૈજુલ બીજી ઇનિંગ્સમાં ૧૨૦ રનમાં ૬ વિકેટ તેમ જ મૅચમાં ૧૮૭ રનમાં ૯ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બની ગયો હતો. સિરીઝમાં હાઇએસ્ટ ૨૫૩ રન બદલ મુશફિકુર રહીમ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.
બંગલાદેશ ભારતને છઠ્ઠા નંબરે ધકેલીને પાંચમા ક્રમાંકે
આ જીત સાથે બંગલાદેશ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં ભારતને છઠ્ઠા ક્રમાંકે ધકેલીને પાંચમા ક્રમાંકે પહોંચી ગયું હતું, જ્યારે પાકિસ્તાન સતત ત્રીજી હાર સાથે સેકન્ડ લાસ્ટ આઠમા ક્રમાંકે ફેંકાઈ ગયું હતું.