બંગલાદેશી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થયો

27 September, 2024 02:42 PM IST  |  kanpur | Gujarati Mid-day Correspondent

મીરપુરમાં ફેરવેલ મૅચનું આયોજન નહીં થાય તો કાનપુર ટેસ્ટ તેની છેલ્લી હશે, વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 અંતિમ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ બની રહેશે

બંગલાદેશના દિગ્ગજ ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન

કાનપુર ટેસ્ટની પૂર્વસંધ્યાએ બંગલાદેશના દિગ્ગજ ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને T20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરીને ક્રિકેટજગતને ચોંકાવી દીધું છે. કાનપુરમાં પત્રકારોના સવાલના જવાબ આપતાં તેણે કહ્યું હતું કે ‘T20 વર્લ્ડ કપમાં હું મારી છેલ્લી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છું. મેં સિલેક્ટર્સ સાથે ચર્ચા કરી છે અને ૨૦૨૬માં યોજાનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મારા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. આશા છે કે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ કેટલાક સારા ખેલાડીઓ શોધવામાં સફળ થશે અને અમારી ટીમ સારું પ્રદર્શન કરશે.’ 

આ વર્ષની ૨૪ જૂને તે T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે છેલ્લી મૅચ રમ્યો હતો, જેમાં અફઘાનિસ્તાને ૮ રને DLS મેથડથી જીત મેળવી હતી. જોકે ૩૭ વર્ષનો શાકિબ-અલ-હસન ભવિષ્યમાં ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં રમતો રહેશે. 

ટેસ્ટ અને વન-ડે ફૉર્મેટ વિશે તેણે કહ્યું કે ‘મેં મારા ક્રિકેટ બોર્ડને બંગલાદેશના મીરપુરમાં છેલ્લી ટેસ્ટ મૅચ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બોર્ડ એ માટે સંમત થયું છે અને દરેક પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે જેથી હું બંગલાદેશ જઈ શકું. જો આમ નહીં થાય તો કાનપુરમાં ભારત સામેની ટેસ્ટ-મૅચ મારી છેલ્લી મૅચ હશે. મારે હજી વન-ડેમાં ૮ મૅચ રમવાની છે અને વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી મારી છેલ્લી ટુર્નામેન્ટ હશે.’ 

બંગલાદેશમાં રાજકીય અશાંતિ દરમ્યાન હત્યાના કેસમાં શાકિબનું નામ આરોપી તરીકે હતું. રાજકીય અશાંતિને કારણે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું હતું. શાકિબ તેમની જ પાર્ટી અવામી લીગ તરફથી સંસદસભ્ય હતો. તેણે કહ્યું હતું કે ‘બંગલાદેશ પાછું ફરવું એ કોઈ સમસ્યા નથી, પરંતુ ત્યાંથી બહાર નીકળવામાં મુશ્કેલી આવી શકે છે. મારા નજીકના મિત્રો અને પરિવારજનો મારી સુરક્ષાને લઈને ચિંતિત છે. મને લાગે છે કે સ્થિતિ સારી થશે અને સમસ્યાનું સમાધાન થઈ જશે.’

શાકિબ-અલ-હસનની ઇન્ટરનૅશનલ કરીઅર 
૭૦ ટેસ્ટ : ૪૬૦૦ રન અને ૨૪૨ વિકેટ
૨૪૭ વન-ડે : ૭૫૭૦ રન અને ૩૧૭ વિકેટ
૧૨૯ T20 : ૨૫૫૧ રન અને ૧૪૯ વિકેટ

bangladesh mirpur cricket news t20 international sports sports news