12 February, 2024 08:32 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
ગ્લેંન મેક્સવેલ
ઑસ્ટ્રેલિયાએ ત્રણ મૅચની ટી૨૦ સિરીઝમાં બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૪ રને મહાત આપી હતી. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ ટી૨૦ સિરીઝ ૨-૦થી જીતી લીધી છે. ઑસ્ટ્રેલિયાએ પહેલાં બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૪૧ રનનો જંગી સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૨૦૭ રન કરી શકી હતી. જોકે ઑસ્ટ્રેલિયાની આ જીત કરતાં ટીમના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલની ચર્ચા વધુ થઈ રહી છે. તેણે ફરી ટી૨૦ ક્રિકેટમાં જોરદાર બૅટિંગ કરી હતી અને ૫૫ બૉલમાં આક્રમક ૧૨૦ (અણનમ) રન કર્યા હતા. તેની સાથે ટિમ ડેવિડે ૩૧ અને મિચેલ માર્શે ૨૯ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
આ મૅચમાં ગ્લેન મૅક્સવેલે પોતાની પાંચમી ટી૨૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. એની સાથે જ તેણે ભારતના સુકાની રોહિત શર્માના રેકૉર્ડની બરોબરી કરી લીધી છે. ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બન્ને ખેલાડીઓના નામે પાંચ-પાંચ સદી છે. મૅક્સવેલે સૌથી ઝડપી પાંચ ટી૨૦ ક્રિકેટમાં સદી કરવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. મૅક્સવેલે આ સિદ્ધિ પોતાની ૧૦૨મી મૅચમાં મેળવી છે, જ્યારે રોહિત શર્માએ ૧૫૧ મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી.
પોવેલની હાફ સેન્ચુરી એળે ગઈ
૨૪૨ રનના લક્ષ્યાંક સામે મેદાનમાં ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી નહોતી. બ્રેન્ડન કિંગ પાંચ રને આઉટ થઈ ગયો હતો. ટીમ તરફથી સૌથી વધુ રન સુકાની રોમૅન પોવેલે બનાવ્યા હતા. તેણે ૩૬ બૉલમાં ૬૩ રન કર્યા હતા, જ્યારે આંદ્રે રસેલે ૩૭ રન બનાવ્યા હતા. જોકે સુકાનીની આ અડધી સદી ટીમને જિતાડી શકી નહોતી. ઑસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટૉઇનિસે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
|
ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર ખેલાડી |
||
|
ખેલાડી |
સેન્ચુરી |
મૅચ |
|
ગ્લેન મૅક્સવેલ |
૦૫ |
૧૦૨ |
|
રોહિત શર્મા |
૦૫ |
૧૫૧ |
|
સૂર્યકુમાર યાદવ |
૦૪ |
૬૦ |
|
બાબર આઝમ |
૦૩ |
૧૦૯ |