ઍનાબેલ સધરલૅન્ડે ૧૬૩ રન બનાવીને કયા-કયા રેકૉર્ડ સરજ્યા?

01 February, 2025 10:44 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

આૅસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની પિન્ક બૉલ ટેસ્ટ-મૅચમાં કાંગારૂ ટીમ મજબૂત સ્થિતિમાં

ઍનાબેલ સધરલૅન્ડે ૧૬૩ રન ફટકાર્યાં હતાં.

પહેલી વિમેન્સ ટેસ્ટ-સિરીઝની ૯૦મી ઍનિવર્સરીના ભાગરૂપે રમાઈ રહેલી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની એશિઝ ટેસ્ટ-મૅચ રોમાંચક બની છે. પહેલી ઇનિંગ્સમાં ૧૭૦ રન પર ઑલઆઉટ થનાર ઇંગ્લૅન્ડની ટીમ સામે બીજા દિવસે ઑસ્ટ્રેલિયન ટીમે ૧૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૪૨૨ રન ખડકી દીધા છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાઈ રહેલી આ પહેલી પિન્ક બૉલ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમ પાસે ૨૫૨ રનની જંગી લીડ છે.

ઑસ્ટ્રેલિયન ટીમે ૫૬/૧ના સ્કોરથી બીજા દિવસે પહેલી ઇનિંગ્સની રમતની શરૂઆત કરી હતી. ઑલરાઉન્ડર ઍનાબેલ સધરલૅન્ડ (૨૫૮ બૉલમાં ૧૬૩ રન) અને વિકેટકીપર-બૅટર બેથ મૂની (૧૪૯ બૉલમાં ૯૮ રન અણનમ)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ઑસ્ટ્રેલિયન ટીમ વિશાળ સ્કોર ફટકારી શકી હતી. ઇંગ્લૅન્ડની ટીમે છ સરળ કૅચ છોડ્યા હતા. માત્ર ૨૩ વર્ષની ઍનાબેલ સધરલૅન્ડે ૬૩.૧૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરતાં ૨૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૫૮ બૉલમાં જે ૧૬૩ રનની ઇનિંગ્સ રમી એનાથી ઘણા શાનદાર રેકૉર્ડ બન્યા હતા.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર તે પહેલી મહિલા ક્રિકેટર બની છે. માત્ર છઠ્ઠી ટેસ્ટ-મૅચમાં ત્રીજી સેન્ચુરી ફટકારીને તેણે ઑસ્ટ્રેલિયા માટે વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી ફટકારવાના સંયુક્ત રેકૉર્ડની પણ બરાબરી કરી હતી. તે બે વાર વિમેન્સ ટેસ્ટમાં ૧૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમનારી ત્રીજી મહિલા ક્રિકેટર પણ બની છે, પણ ટેસ્ટ-ઇતિહાસમાં સતત બીજી વાર ૧૫૦થી વધુ રન બનાવનારી તે પ્રથમ મહિલા બની છે. તેણે ગયા વર્ષે પોતાની છેલ્લી ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકા સામે ૨૧૦ રનની ઇનિંગ્સ રમી હતી. તે ત્રણ અલગ-અલગ પોઝિશન; નંબર ૬, નંબર ૮ અને નંબર ૩ પર બૅટિંગ કરીને સેન્ચુરી ફટકારનારી પ્રથમ મહિલા-ક્રિકેટર પણ બની છે.

23,561
ઑસ્ટ્રે​લિયા અને ઇંગ્લૅન્ડની મૅચ જોવા આટલા દર્શક આવ્યા પહેલા દિવસે, જે એક વિમેન્સ ટેસ્ટ મૅચમાં સૌથી વધુ દર્શકોનો રેકૉર્ડ બન્યો.

ashes test series australia england melbourne cricket news sports news sports