21 February, 2023 12:09 PM IST | Las Vegas | Gujarati Mid-day Correspondent
જૅકલિન કિંગ
બ્રિટિશ વર્જિન આઇલૅન્ડમાં આવેલી એલડીઆર ઇન્ટરનૅશનલ લિમિટેડે તેમની વકીલ સારા જૅકલિન કિંગ પર કૅલિફૉર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના સાઉથ ડિવિઝનમાં ૧૧ ફેબ્રુઆરીએ કંપનીનાં નાણાંનો ઉપયોગ પોતાની ઉડાઉ જીવનશૈલી માટે કરવાનો આરોપ મૂકીને કેસ દાખલ કર્યો છે. કંપનીએ તેના દાવામાં કરારનો ભંગ, છેતરપિંડી અને ચોરી જેવા આક્ષેપ મૂકતાં જણાવ્યું હતું કે અમેરિકાના કૅલિફૉર્નિયામાં ઑરેન્જ કાઉન્ટીમાં રહેતી સારા જૅકલિને કંપનીના ભંડોળનો ઉપયોગ પોતાના અંગત મોજશોખ પૂરા કરવા માટે લાંબો સમય ક્લબ રિસૉર્ટમાં રોકાવા ઉપરાંત દિવસ-રાત જુગાર રમવા માટે કર્યો હતો.
આ છેતરપિંડીની શંકા કંપનીને ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં આવી હતી. જાન્યુઆરીથી ઑક્ટોબર સુધી કંપનીએ સારાને મોટી રકમ લોન પેટે આપી હતી. કંપનીના હિસાબે આ રકમ થર્ડ પાર્ટી લેણદારોને ચૂકવવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: મહિલાએ કપડા ઉતારી ફ્લાઈટમાં કર્યો હોબાળો, સિગારેટ પીવાની પણ કરી જીદ
કંપનીનો દાવો છે કે આ લોન લક્ઝરી કાર, બોટ, યૉટ્સ, જ્વેલરી, કીમતી ધાતુના સિક્કા તેમ જ ગૅરન્ટીડ પ્રોફેશનલ સ્પોર્ટ્સ કૉન્ટ્રૅક્ટ જેવા કૉલેટરલથી સુરક્ષિત કરવામાં આવી હતી. પછીથી જણાયું હતું કે સારા જૅકલિન પાસે ધિરાણ આપવા માટેનું અધિકૃત લાઇસન્સ નહોતું. કંપનીએ સારાને કુલ ૧૦,૨૫૮,૫૦૦ ડૉલર (અંદાજે ૮૪,૮૩,૨૬,૬૫૭.૫૩ રૂપિયા)ની એકંદર ૯૭ લોન આપી હતી. જોકે લોન બનાવટી નામે લેવામાં આવી હોવાનું જણાયું હતું.
કેસ દાખલ કરતાં પૂર્વે ગઈ ૯ ફેબ્રુઆરીએ પણ સારાએ કંપની અને એના એજન્ટ સાથે બનાવટી સોદા કર્યા હોવા છતાં તેણે પોતાની પાસે પૈસા ન હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યે રાખીને તેની મિલકત માત્ર ૧૧.૯૮ ડૉલર (૯૯૦.૬૯ રૂપિયા) હોવાનો દાવો કર્યો છે.