28 September, 2024 03:05 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
હાથરસમાં અસ્સલ દૃશ્યમ્ જેવું થયું
‘દૃશ્યમ્’ ફિલ્મમાં જે રીતે પોલીસ-સ્ટેશનની નીચે દટાયેલી લાશ મળે છે એવી જ રીતે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં પણ બન્યું. ગિંલોદપુર ગામના પંજાબી સિંહે કલેક્ટર રોહિત પાંડેયને અરજી કરીને કહ્યું કે ૩૦ વર્ષ પહેલાં તેની માતા અને ભાઈઓએ પિતાની હત્યા કરી હતી અને ઘરના આંગણામાં જ તેમને દાટી દીધા હતા. અરજીના આધારે ઘરઆંગણે ખોદવાનું ચાલુ કર્યું તો ૮ ફુટ ઊંડેથી સાચ્ચે જ માણસનું હાડપિંજર નીકળ્યું હતું. ૩૦ વર્ષ પહેલાં આ ઘટના બની ત્યારે પંજાબી સિંહ ૯ વર્ષનો હતો. તેના ઘરમાં ગામના ધનિક માણસ રાજવીરનો આવરોજાવરો હતો એ પિતા બુદ્ધ સિંહને નહોતું ગમતું. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો ત્યારે પ્રદીપ અને મુકેશ નામના બન્ને દીકરા માતા ઊર્મિલાનો જ પક્ષ લેતા હતા.
એક દિવસ ઊર્મિલા અને રાજવીરે તેને બન્ને ભાઈ સાથે બીજા ઘરમાં મોકલી દીધા હતા. ત્યાર પછીથી તેણે પપ્પાને જોયા નહોતા. સમય જતાં એ આખી વાત ભૂલી ગયો, પણ ૧ જુલાઈએ તેને ભાઈઓ સાથે લેવડદેવડ બાબતે ઝઘડો થયો અને ભાઈઓએ પંજાબી સિંહને પપ્પા પાસે પહોંચાડી દેવાની ધમકી આપી ત્યારે તેને ૩૦ વર્ષ જૂની વાત યાદ આવી ગઈ હતી.