22 June, 2024 11:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સુબોર્નો
ભારતીય મૂળનો અને અમેરિકાના લૉન્ગ આઇલૅન્ડની એક સ્કૂલમાં ભણતો ૧૨ વર્ષનો છોકરો આવતા મહિને ગ્રૅજ્યુએટ થવાનો છે. ૧૨ વર્ષનો સુબોર્નો આઇઝેક બારી માલવર્ન હાઈ સ્કૂલમાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરે છે. સુબોર્નો પોતાની સ્કૂલમાં સૌથી નાની વયે ગ્રૅજ્યુએશન પૂરું કરીને યંગેસ્ટ ગ્રૅજ્યુએટ તરીકે ઇતિહાસ રચવાનો છે. ગ્રૅજ્યુએશન બાદ સુબોર્નો ફુલ સ્કૉલરશિપ પર ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં મૅથ્સ અને ફિઝિક્સનો અભ્યાસ કરશે. સુબોર્નોની શીખવાની ક્ષમતા એટલી ગજબની હતી કે તેણે ચોથા ધોરણમાંથી સીધા આઠમા ધોરણમાં અને એ પછી ૯મા ધોરણમાંથી સીધા ૧૨મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો. સુબોર્નોની સિદ્ધિ આટલેથી અટકતી નથી. તેણે બે પુસ્તક લખ્યાં છે અને મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ગેસ્ટ પ્રોફેસર તરીકે ફિઝિક્સ ભણાવીને વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર પણ બની ગયો છે. શીખવાની અને શીખવવાની ક્ષમતાને કારણે સુબોર્નોનું સપનું પ્રોફેસર બનવાનું છે. તે લોકોને અઘરા લાગતા ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સમજવામાં મદદ કરવા માગે છે. સુબોર્નો જ્યારે ૪ વર્ષનો હતો ત્યારે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તેના ઇન્ટેલિજન્સથી પ્રભાવિત થઈને પત્ર મોકલ્યો હતો.