વૅલેન્ટાઇન્સ ડેના રોજ પત્નીને પૉર્શે કાર ગિફ્ટમાં આપી, પત્નીએ નહીં સ્વીકારી તો કચરાપેટીમાં ફેંકી દીધી

28 February, 2025 01:58 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

પતિએ હકીકતમાં આ કાર રિપેર કરાવ્યા બાદ ૮ માર્ચે મહિલાદિવસે પત્નીને આપવાનો નિર્ણય કર્યો હતો

પૉર્શે કાર

રશિયામાં રિસાયેલી પત્નીને મનાવવા માટે એક પતિએ મોંઘી એવી પૉર્શે કાર વૅલેન્ટાઇન્સ ડેના રોજ ગિફ્ટમાં આપી હતી, પણ પતિએ એક ભૂલ કરતાં પત્નીએ આ કાર સ્વીકારી નહોતી અને છેવટે પતિને આ કાર એક કચરાપેટીમાં ફેંકવાનો વારો આવ્યો હતો.

મૉસ્કો પાસે માયતીશીમાં રહેતા પતિએ તેનું લગ્નજીવન બચાવવા પત્નીને આ મોંઘી કાર ગિફ્ટમાં આપવાનું નક્કી કર્યું હતું. તેણે માર્કેટમાંથી એક ઍક્સિડન્ટ બાદ ડૅમેજ થયેલી પૉર્શે મકૈન કાર ૨૭ લાખ રૂપિયામાં ખરીદી હતી અને પત્નીને વૅલેન્ટાઇન્સ ડેના રોજ ગિફ્ટ કરી હતી. આવી ડૅમેજ થયેલી કાર જોઈને પત્નીને અપમાન લાગ્યું અને કાર સ્વીકારી નહીં. એથી પતિએ એને કચરાપેટીમાં ફેંકી દીધી હતી. આ કાર ત્યાં ૧૫ દિવસથી પડી રહી છે અને લોકો એની સાથે ફોટોગ્રાફ લેતા હોય છે. પતિએ હકીકતમાં આ કાર રિપેર કરાવ્યા બાદ ૮ માર્ચે મહિલાદિવસે પત્નીને આપવાનો નિર્ણય કર્યો હતો, પણ પત્ની જલદી માને એથી કાર વહેલી આપી એમાં પત્ની વધારે નારાજ થઈ ગઈ હતી.

russia valentines day relationships international news news world news offbeat news