રામલીલામાં વાનર બનેલા બે કેદી હૂપહૂપ કરતા જેલમાંથી ભાગી ગયા

13 October, 2024 03:02 PM IST  |  Haridwar | Gujarati Mid-day Correspondent

બન્ને કેદી હૂપાહૂપ કરતાં સીતામાતાને શોધવાના બહાને જેલની દીવાલ કૂદીને ભાગી ગયા હતા

હત્યાકેસનો આરોપી પંકજ મગનલાલ અને કાચા કામનો કેદી રામકુમાર ચૌહાણ ભાગી છૂટ્યા હતા

નવરાત્રિમાં ઠેકઠેકાણે રામલીલા ભજવાતી હોય છે. હરિદ્વારની જેલમાં પણ રામલીલાનું મંચન થયું હતું. કેદીઓએ જુદાં-જુદાં પાત્રો ભજવ્યાં હતાં. હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો કેદી અને કાચા કામનો કેદી વાનર બન્યા હતા. રાવણ સીતામાતાનું અપહરણ કરી જાય છે પછી ભગવાન રામ અને વાનરસેના સીતામાતાને શોધવા નીકળે છે એ દૃશ્ય ભજવાઈ રહ્યું હતું. આ બન્ને કેદી પણ હૂપાહૂપ કરતાં સીતામાતાને શોધવાના બહાને જેલની દીવાલ કૂદીને ભાગી ગયા હતા. એક બાજુ રામલીલામાં કેદીઓ અને પોલીસ વ્યસ્ત હતી અને બીજી બાજુ જેલમાં સમારકામ ચાલી રહ્યું હતું. એ તકનો લાભ લઈને હત્યાકેસનો આરોપી પંકજ મગનલાલ અને કાચા કામનો કેદી રામકુમાર ચૌહાણ ભાગી છૂટ્યા હતા.

navratri dussehra haridwar offbeat news national news