અન્કલ પ્રેઇઝ : આ ભાઈ લોકોનાં વખાણ કરીને પૈસા કમાય છે

16 January, 2025 04:18 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

બસ, એ ઘટના પછી તેણે નક્કી કરી લીધું કે દુનિયામાં અનેક જખમો ખમી ચૂકેલા લોકોને પોતાની પ્રશંસા કરે એવું કોઈક જોઈતું હોય છે.

અન્કલ પ્રેઇઝ : આ ભાઈ લોકોનાં વખાણ કરીને પૈસા કમાય છે

કોઈ પૂછે કે તમે શું કામ કરો છો? તો જપાનના ૪૩ વર્ષના આ ભાઈનો જવાબ હોય છે, ‘અજાણ્યા લોકોનાં વખાણ કરવાનું કામ કરું છું.’

હા, ટોક્યોની સ્ટ્રીટ પર તેઓ બેઠા હોય છે અને લોકોની પ્રશંસા કરીને પૈસા કમાય છે. નવાઈની વાત એ છે કે લોકો તેમની પાસે આવે પણ છે. સ્ટ્રીટ પર તેઓ એક સાઇનબોર્ડ લઈને બેસે છે જેમાં રોજ કંઈક ક્રીએટિવ રીતે લખેલું હોય છે જેનો મતલબ થાય છે કે તમારે સાંભળવું હોય તો હું તમારાં વખાણ કરી શકું છું,’ કેટલાક લોકો કુતૂહલવશ ઊભા રહે છે અને તેમની સાથે વાત કરવાની શરૂઆત કરે છે. આ ભાઈનો અંદાજ એટલો મજાનો છે કે તેઓ વાતવાતમાં સામેવાળા માટે પ્રશંસાનાં તોરણ બાંધવા માંડે છે. જેમને પોતાનાં વખાણ સાંભળીને મજા આવે તેઓ તેમને જેટલી ઇચ્છા થાય એટલા જૅપનીઝ યેન તેના કલેક્શન-બૉક્સમાં નાખે છે. આ ભાઈ છેલ્લાં ત્રણ વર્ષથી આ કામ કરે છે અને એમાં તેઓ સારુંએવું કમાઈ લે છે. આ નવતર પ્રયોગ કરવાનું કેવી રીતે સૂઝ્યું એના જવાબમાં સ્થાનિક ટીવી-ચૅનલને જવાબ આપતાં વિડિયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે ‘ત્રણ વર્ષ પહેલાં હું મારા વતનમાં એક કંપનીમાં જૉબ કરતો હતો, પણ પૈસા કમાયા પછી મને જુગારની જબરી લત લાગી ગઈ. એમાં મેં મારી જૉબ અને પરિવાર બન્ને ગુમાવ્યાં. પપ્પાની માંદગી માટે ગીરવી મૂકેલું ઘર છોડાવવાના પૈસા ન રહેતાં ઘર હાથમાંથી જતું રહ્યું. પરિવારે સાથ છોડી દીધો અને હું ટોક્યોની સ્ટ્રીટ પર રહેવા માંડ્યો. મારે એમ જ ભીખ માગીને પૈસા નહોતા કમાવા, પણ લોકોને રીઝવવા માટે કંઈ પર્ફોર્મ કરી શકાય એવી કોઈ સ્કિલ મને નહોતી આવડતી. એક વાર એક અજાણ્યા માણસ સાથેની વાતચીતમાં મેં પેલા માણસની પ્રશંસા કરી એટલે તેનું દિલ પીગળી ગયું અને તેણે મારા કલેક્શન-બૉક્સમાં પૈસા મૂક્યા.’

બસ, એ ઘટના પછી તેણે નક્કી કરી લીધું કે દુનિયામાં અનેક જખમો ખમી ચૂકેલા લોકોને પોતાની પ્રશંસા કરે એવું કોઈક જોઈતું હોય છે. તેણે બીજાનાં વખાણ કરીને પૈસા કમાવાનો ધંધો શરૂ કરી દીધો.

japan tokyo international news news world news offbeat news social media