13 November, 2024 01:49 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
ટીચર રિતિકા બહુ ગુસ્સે થયાં અને માનવિકને વાળ ખેંચીને ૪૨ સેકન્ડમાં ૭ થપ્પડ મારી
કાનપુરના બિરહાના રોડ પર લોફ્ટી વેલ કિડ્સ પ્રી સ્કૂલ છે ત્યાં નર્સરીમાં ભણતો ૪ વર્ષનો માનવિક હોમવર્ક નહોતો કરી લાવ્યો, એમાં ટીચર રિતિકા બહુ ગુસ્સે થયાં અને માનવિકને વાળ ખેંચીને ૪૨ સેકન્ડમાં ૭ થપ્પડ મારી દીધી. માનવિક નર્સરીમાંથી ઘરે પહોંચ્યો ત્યારે ગાલ પર સોળ પડેલી જોઈને માતાપિતાએ પૂછ્યું, પણ માનવિક બહુ ગભરાયેલો હતો. ૧ કલાક પછી માંડ-માંડ મનાવ્યો ત્યારે તેણે કહ્યું કે ટીચરે માર્યું છે. એ સાંભળીને માતાપિતા ગુસ્સામાં લાલચોળ થઈ ગયાં અને પ્રી-સ્કૂલ પહોંચ્યાં. ક્લાસમાં લગાડેલા CCTV કૅમેરાનાં ફુટેજ જોયાં ત્યારે ટીચરનું અમાનવીય કૃત્ય જોવા મળ્યું. માતાપિતાએ સ્કૂલમાં બહુ હોબાળો મચાવ્યો. માનવિકના પિતા દીપક તુલસિયાણીએ પોલીસ-સ્ટેશન ટીચર સામે ફરિયાદ નોંધાવી છે. ટીચરે નાનકડા બાળકના કુમળા ગાલ પર આટલીબધી થપ્પડ મારવાનું કારણ એવું આપ્યું કે મને માઇગ્રેન છે એટલે ગુસ્સામાં થપ્પડ મરાઈ ગઈ.