22 November, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરાને ખાવા મોકલેલા ઈંડાંમાંથી બચ્ચાં જન્મ્યાં
હૉસ્ટેલમાં રહીને ભણતા સાતમા ધોરણના એક સ્ટુડન્ટે મમ્મીએ આપેલાં ઈંડાંને ખાવાને બદલે સાચવી રાખ્યાં હતાં. ઈંડાં તૂટી ન જાય એ માટે તેણે સ્ટીલના ટ્રન્કની અંદર એક ધાબળામાં વીંટાળીને મૂકી રાખ્યાં હતાં. જોકે ટ્રન્કમાં મળેલી ગરમીને કારણે થોડા જ દિવસમાં ઈંડાં સેવાઈ ગયાં હતાં. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં છોકરો પતરાની પેટી ખોલીને ઈંડાંમાંથી જસ્ટ બહાર આવેલાં ચિકન્સ દેખાડે છે.
તેનો ઇરાદો ઈંડાં સેવવાનો નહોતો, પરંતુ ધાબળામાં વીંટાળીને ટ્રન્કમાં મૂકી રાખવાને કારણે ઈંડાંને સેવવા માટે જરૂરી હૂંફ અને ગરમી મળ્યાં હતાં. થોડા જ દિવસોમાં ૬માંથી ૪ ઈંડાંમાંથી બચ્ચાં જોઈને છોકરો પણ અચંબિત થઈ ગયો હતો.
ખાવા માટે મોકલવામાં આવેલાં ઈંડાંમાંથી અણધારી રીતે બચ્ચાં બહાર આવવાની આ અનોખી ઘટનાએ સોશ્યલ મીડિયા પર લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. હવે આ ચારેય બચ્ચાં વિદ્યાર્થીના હૉસ્ટેલ જીવનનો એક યાદગાર હિસ્સો બની ગયાં છે.