20 February, 2025 01:29 PM IST | Agra | Gujarati Mid-day Correspondent
દીપાયન અને કસ્તુરી ઘોષ કપલની ડૉગી ૧૦૪ દિવસ બાદ તાજમહલની પાછળનાં જંગલોમાંથી મળી.
આગરાની તાજ હોટેલમાંથી ૩ નવેમ્બરે ગુમ થયેલી ગુડગાંવના કપલની ડૉગી ૧૦૪ દિવસ બાદ તાજમહલની પાછળનાં જંગલોમાંથી મળી આવતાં આ દંપતીની ખુશીનો પાર રહ્યો નહોતો. આ ડૉગી પણ તેના માલિકોને જોઈને કૂદીને તેમના ખોળામાં પહોંચી જતાં તમામની આંખો ભીની થઈ હતી.
દીપાયન અને કસ્તુરી ઘોષ ૨૦૨૪ની ૧ નવેમ્બરે આગરા ફરવા ગયાં હતાં અને ત્યાં ગ્રેહાઉન્ડ નસલની તેમની પાળેલી ફીમેલ ડૉગી હોટેલ-સ્ટાફની લાપરવાહીથી ગુમ થઈ હતી. આ કપલે ૧૫ દિવસ આગરામાં રહીને ડૉગીને શોધવાનો પ્રયાસ કર્યો, પણ નહીં મળતાં તેઓ ગુડગાંવ પાછાં જતાં રહ્યાં હતાં. જોકે તેમણે આખા આગરામાં ડૉગીનાં પોસ્ટરો ચીટકાવી દીધાં હતાં અને એની ભાળ આપનારને ૫૦,૦૦૦ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. સાડાત્રણ મહિનાના આ સમયગાળામાં દંપતીને આગરાના લોકોએ આશરે પાંચ હજાર ફોન કર્યા હતા. ૧૦૦થી વધારે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં હતાં. ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી. લોકોએ દંપતીને ઘણા ડૉગીના ફોટો-વિડિયો પણ મોકલ્યા હતા. જોકે શનિવારે તેમને જે કૉલ આવ્યો એમાં તેમની ડૉગીની જાણકારી હતી. આ ડૉગી તાજમહલની પાછળની મેહતાબ બાગની ઝાડીમાંથી મળી આવી હતી.
આ દંપતીએ કહ્યું હતું કે અમને આગરાના લોકોએ ખૂબ મદદ કરી હતી, આટલી મદદ તો ગુડગાંવના લોકોએ પણ ન કરી હોત.