હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લગતી સર્ચ કરવી હોય તો ગૂગલ પણ પૈસા માગી શકે છે

06 April, 2024 03:28 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સર્ચ-એન્જિન માટે આ યોજના પર કામ કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના સૌથી મોટા સર્ચ-એન્જિન ગૂગલે પોતાના કેટલાંક સર્ચ રિઝલ્ટ્સ માટે યુઝર પાસેથી પૈસા વસુલવાનો પ્લાન બનાવ્યો છે. કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સર્ચ-એન્જિન માટે આ યોજના પર કામ કરી રહી છે. અત્યાર સુધી ગૂગલ વધારાના સ્ટોરેજ તથા પોતાની પ્રોડક્ટ્સનાં કેટલાંક ફીચર્સ માટે યુઝર પાસેથી નાણાં વસૂલતી હતી, પણ સર્ચ-એન્જિનની સુવિધા હંમેશાં ફ્રી રાખી છે. હવે કંપની પહેલી વાર સર્ચ-એન્જિનના રિઝલ્ટને પેઇડ કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર આગામી વર્ષોમાં પણ ટ્રેડિશનલ સર્ચ એન્જિન યુઝર્સ માટે વિનામૂલ્ય જ રહેશે અને જાહેરખબરો પણ અગાઉની જેમ જ જોવા મળશે, પણ જે લોકો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન માટે પૈસા ચૂકવશે તેમને AI દ્વારા સૂચવવામાં આવેલાં રિઝલ્ટ્સ પણ જોવા મળશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે AI જનરેટેડ રિઝલ્ટ ટૂંક સમયમાં વેબ સર્ચ પર હાવી થશે. એને કારણે યુઝરને જે સર્ચ કરવું છે માત્ર એ જ તેની સામે આવશે. આમ પણ ચૅટજીપીટી આવ્યા પછી AIના ક્ષેત્રમાં ગૂગલની સ્પીડ ધીમી પડી હોવાનું કહેવાતું હતું. હવે આ રેસમાં અન્ય કંપનીઓને પાછળ રાખવા ગૂગલે કમર કસી છે. જોઈએ હવે શું થાય છે.

google tech news technology news offbeat news international news