23 October, 2026 11:23 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
દાદા સાથે યુવતીની નકલી સગાઈ
ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં સોશ્યલ મીડિયા પર ૭૫ વર્ષના વડીલ સાથે ૩૦ વર્ષની રીના નામની યુટ્યુબરે સગાઈ કરી એના વિડિયો ખૂબ વાઇરલ થયા હતા. એ પછી તેમણે પીઠી ચોળી અને મેંદીની રસમ થતી હોય એવા વિડિયો પણ શૅર કર્યા હતા. જોકે પીઠી પછી લગ્નની કોઈ તસવીરો બહાર નહોતી આવી. વિડિયોમાં તો એવું જ લાગતું હતું કે તેમની સાચુકલી સગાઈ થઈ છે અને હવે લગ્ન પણ થશે. જોકે ૭૫ વર્ષના દાદાએ જ સામેથી ફોડ પાડ્યો છે કે આ બધું ફૉલોઅર્સ મેળવવા માટેનું નાટક હતું. રામસુધરનું કહેવું છે કે તેમણે તો આ નાટક તેમની દીકરી રાધાના કહેવા પર કર્યું હતું. લાઇક્સ અને ફૉલોઅર્સ મેળવવા માટે જ સગાઈ અને પીઠીના વિડિયો બનાવવામાં આવ્યા હતા.