11 May, 2026 02:32 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ભારતના રસ્તાઓ પર રિક્ષા દોડતી જોવી એ સામાન્ય વાત છે, પરંતુ જ્યારે બે વિદેશી પ્રવાસીઓ રિક્ષા લઈને હજારો કિલોમીટરની યાત્રા પર નીકળે ત્યારે એ આશ્ચર્યની સાથે કુતૂહલ પણ જગાડે છે. હાલમાં જ નાગપુર નજીકના હાઇવે પર બે ઑસ્ટ્રેલિયન પ્રવાસીઓ તેમની અનોખી મુસાફરીને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રવાસીઓ દક્ષિણ ભારતના કોચીથી રાજસ્થાનના જેસલમેર સુધીનું અંતર એક સાધારણ રિક્ષામાં કાપી રહ્યા હતા.
આ અનોખો નજારો ત્યારે સામે આવ્યો જ્યારે મુનવ્વર ખાન નામના એક ભારતીયે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ મુલાકાતનો વિડિયો શૅર કર્યો. હાઇવે પરથી પસાર થતા મુનવ્વર ખાનની નજર જ્યારે રિક્ષા ચલાવી રહેલા વિદેશીઓ પર પડી ત્યારે તેણે આ ક્ષણને કૅમેરામાં કેદ કરી લીધી હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે બન્ને ઑસ્ટ્રેલિયન પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહમાં છે અને રિક્ષાની સવારીની મજા માણતા કૅમેરા સામે સ્મિત સાથે હાથ હલાવી રહ્યા છે.
આ ઘટનાએ સોશ્યલ મીડિયા પર સ્લો ટ્રાવેલ અને સાદગીભર્યા પ્રવાસનો એક સુંદર સંદેશ આપ્યો છે. સામાન્ય રીતે વિદેશી પ્રવાસીઓ લક્ઝરી બસ, ટ્રેન કે વિમાન દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ બે પ્રવાસીઓએ ભારતના વાસ્તવિક રંગો અને રસ્તાઓને માણવા માટે ત્રણ પૈડાંવાળી રિક્ષાને પસંદ કરી છે.
નેટિઝન્સ આ સાહસિક જોડીનાં વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભારતને સાચી રીતે જોવા માટે આનાથી વધુ સારો વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં. ધૂળિયા રસ્તાઓ અને હાઇવે પર દોડતી તેમની આ રિક્ષા હાલમાં ઇન્ટરનેટ પર ભારે વાઇરલ થઈ રહી છે.