05 December, 2024 02:04 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent
લખાણ
મથુરા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણના વંશને મુદ્દે વિવાદ સર્જાયો છે. જિલ્લાના નંદગાંવના બજારમાં અને લોકોના ઘરની દીવાલો પર ‘નંદગાંવનો ઇતિહાસ’ના ટાઇટલ સાથેનું લખાણ લખાયું છે એમાં કૃષ્ણ ભગવાન જાટ હોવાનું લખ્યું છે. યદુવંશી કૃષ્ણ ભગવાનની જ્ઞાતિ બદલી નાખતા લખાણે વિવાદ સર્જ્યો છે. લખાણમાં છેલ્લે ‘કુંવર સિંહ’ નામ સાથે ફોન-નંબર પણ લખ્યો છે. લોકોએ એ નંબર ડાયલ કર્યો તો ક્યારેક એ બંધ આવે છે અને ક્યારેક રિંગ વાગે છે તો કોઈ ફોન ઉપાડતું નથી. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ શ્વેતા સિંહના નિર્દેશ પછી નગરપાલિકાના ક્લર્ક રામજિતે કુંવર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણ ભગવાન વિશે ખોટી માહિતી આપવા અને લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા અંગે મંગળવારે ફરિયાદ નોંધાયા પછી પોલીસ કુંવર સિંહની શોધખોળ શરૂ કરી છે. જોકે એ કોણ છે અને ક્યાં રહે છે તેની કોઈ માહિતી મળી નથી. ફોન નંબર પણ બંધ આવે છે. એટલે ટેલિકૉમ કંપની પાસેથી નંબરના આધારે ઓળખ કરવાનો પ્રયત્ન ચાલુ છે.