06 November, 2026 07:24 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
રેલવે સ્ટેશન પર સામાન્ય રીતે પ્રવાસીઓની દોડધામ હોય છે, જોકે આ વચ્ચે એક અનોખી ઘટના જાણવા મળી છે. એક મુસાફરની શંકાસ્પદ વ્યવહાર પર પોલીસનું ધ્યાન ગયું અને તેની તપાસ કરતાં જે મળી આવ્યું તેને જોઈ બધા જ દંગ રહી ગયા. પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પર હાથ ધરવામાં આવેલા એક ઑપરેશન દરમિયાન, ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) એ રૂ. ૧.૪૦ કરોડની રોકડ રકમ જપ્ત કરી. આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ, કારણ કે મુસાફરની બૅગમાં રૂ. ૫૦૦ની નોટોના ૨૮૦ બંડલ મળી આવ્યા હતા.
હાવડાના રહેવાસી, ૩૬ વર્ષીય રાહુલ સોની નામની શંકાસ્પદ વ્યક્તિ બુધવારે સવારે ટાટાનગરથી હાવડા જતી વખતે ખડગપુર સ્ટેશન પર આવ્યો હતો. તે પ્લેટફોર્મ નંબર ૭ પર ત્રણ મોટી બૅગ સાથે ઊભો હતો. પેટ્રોલિંગ કરી રહેલા GRP અધિકારીઓની નજર તેના પર પડી અને તેનું વર્તન અત્યંત શંકાસ્પદ જણાતા તેઓ તેની નજીક ગયા. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓએ જડપી કાર્યવાહી કરી, તેનો પીછો કર્યો અને તેને ત્યાં જ પકડી પાડ્યો.
જ્યારે પોલીસે રાહુલની બૅગની તપાસ કરી, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. બૅગમાં રૂ. ૫૦૦ની નોટોના બંડલ હતા. રકમની ગણતરી કરવા માટે બૅન્ક અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને ચલણ ગણવાનું મશીન (કરન્સી કાઉન્ટિંગ મશીન) લાવવામાં આવ્યું. ગણતરી પૂર્ણ થતાં કુલ રકમ રૂ. ૧.૪૦ કરોડ જેટલી રકમ નીકળી. પોલીસે તાત્કાલિક આ સમગ્ર રકમ જપ્ત કરી લીધી અને રાહુલને કસ્ટડીમાં લઈ લીધો.
પોલીસ પૂછપરછ દરમિયાન, રાહુલે શરૂઆતમાં જણાવ્યું કે તે આ રોકડ ટાટાનગરથી હાવડા લઈ જઈ રહ્યો હતો. જોકે, આટલી મોટી રકમ તેની પાસે ક્યાંથી આવી, તેનો ચોક્કસ સ્ત્રોત શું છે અથવા તે કોને પહોંચાડવાની હતી, તે અંગે તે કોઈ સંતોષકારક માહિતી આપી શક્યો નહીં. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે તાત્કાલિક આવકવેરા વિભાગ (Income Tax Department) ને આ ઘટના વિશે જાણ કરી છે. હવે પોલીસ અને આવકવેરા વિભાગ બંને મળીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, જેથી રેલવે નેટવર્ક દ્વારા આટલી મોટી રોકડ રકમના ગેરકાયદેસર પરિવહન પાછળના કાવતરાનો પર્દાફાશ થઈ શકે અને આ રેકેટમાં સામેલ અન્ય વ્યક્તિઓની ઓળખ થઈ શકે.