04 August, 2024 02:26 PM IST | Visakhapatnam | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
આજે સવારે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર ઊભી રહેલી એક એક્સપ્રેસ ટ્રેનમાં આગ (Visakhapatnam Train Fire) લાગવાની ઘટના બની હતી. વિશાખાપટ્ટનમ સ્ટેશન પર ઊભી રહેલી તિરુમાલા એક્સપ્રેસની ચાર બોગીમાં આગ લગતા મોટું નુકસાન થયું છે. જો કે સદનસીબે આગ ફાટી નીકળ્યા દરમિયાન આ ચાર બોગીમાં કોઈપણ પ્રવાસીઓ સવાર ન હતા, જેને લીધે મોટી હોનારત થતાં અટકાઈ ગઈ હતી અને કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બાદનો વીડિયો પણ હવે સામે આવ્યો છે, જેમાં પોલીસ અધિકારીઓ બોગીમાં લાગેલી આગને ઓલાવવાનું દેખાઈ રહ્યા છે.
એક્સ્પ્રેસ ટ્રેનની બોગીમાં આગ લાગવાની માહિતી મળતા તરત જ વિશાખાપટ્ટનમનું સ્થાનિક અગ્નિ શમન દળ (Visakhapatnam Train Fire) ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. વિશાખાપટ્ટનમના સીપી શંકા બ્રતા બાગચીના નેતૃત્વમાં પોલીસ દ્વારા શોર્ટ સર્કિટ અથવા અન્ય બીજા કોઈ પરિબળોની શક્યતાને ધ્યાનમાં રાખીને આગ પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળની તપાસ કરવા અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા છે. આ મામલે ચાલી રહેલી તપાસના ભાગરૂપે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
વિશાખાપટ્ટનમના સીપી શંકા બ્રતા બાગ્ચીએ ઘટના અંગે માહિતી આપતા કહ્યું હતું કે "વિઝાગ (વિશાખાપટ્ટનમ) રેલવે સ્ટેશન પર ઉભી રહેલી તિરુમાલા એક્સપ્રેસ ટ્રેનના (Visakhapatnam Train Fire) ચાર કોચમાં આગ લાગી હતી. સદનસીબે, તે સમયે તે બોગીની અંદર કોઈ મુસાફર ન હતો. તેથી કોઈ જાનહાનિ થઈ ન હતી અને કોઈ ઈજા થઈ ન હતી." સ્થાનિક ફાયર સર્વિસ અધિકારીઓએ તરત જ જવાબ આપ્યો અને અમે એફઆઈઆર પણ દાખલ કરી. આગ પાછળનું કારણ શોર્ટ સર્કિટ છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. ઘટનાસ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્ર કર્યા પછી અને તે પુરાવાની તપાસ કર્યા પછી જ તેઓ પાછળના વાસ્તવિક કારણ અને અકસ્માત વિશે વધુ માહિતી આપી શકશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક સમયથી ટ્રેન દુર્ઘટનાનું (Visakhapatnam Train Fire) પ્રમાણ વધી રહ્યું છે, જેમાં મુંબઈ આવી રહેલી હાવડા-મુંબઈ મેલના ૧૮ ડબ્બા ઝારખંડમાં બડાબામ્બુ પાસે પાટા પરથી ખડી પડતાં બે પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૦ પ્રવાસી ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક માલગાડી સવારે ૩.૩૩ વાગ્યે બડાબામ્બુ સ્ટેશન પાસેથી પસાર થઈ હતી અને બે કિલોમીટર આગળ જઈને ૩.૩૯ વાગ્યે માલગાડીની વીસમી બોગી પાટા પરથી ખડી પડી હતી. માલગાડીના ડ્રાઇવરે આ ઘટનાની જાણકારી કન્ટ્રોલ રૂમને આપી હતી, પણ કોઈ પગલાં લેવામાં આવે એ પહેલાં ૬ મિનિટ બાદ પાછળ આવી રહેલી હાવડા-મુંબઈ મેલ આ ખડી પડેલી બોગી સાથે ટકરાઈ હતી અને ટ્રેનના ૧૮ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.