03 March, 2025 10:52 AM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
તિરુપતિ મંદિર
તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના ચૅરમૅન બી. આર. નાયડુએ કેન્દ્રીય સિવિલ એવિયેશન મિનિસ્ટર રામ મોહન નાયડુ સમક્ષ માગણી કરી છે કે તિરુપતિ મંદિરની પવિત્રતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખવા માટે તિરુપતિ મંદિરને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવવું જોઈએ.
TTD વિશ્વપ્રસિદ્ધ ભગવાન વેન્કટેશ્વરા મંદિરના કસ્ટોડિયન છે. પોતાની માગણીના સંદર્ભમાં બી. આર. નાયડુએ કહ્યું હતું કે ‘તિરુમલા પર્વત પર લો ફ્લાઇંગ પ્લેન, હેલિકૉપ્ટરો અને અન્ય ઍરિયલ ઍક્ટિવિટીને કારણે શ્રીવરી (ભગવાન વેન્કટેશ્વરના મંદિર)ના પવિત્ર વાતાવરણમાં ખલેલ પડે છે. અગમશાસ્ત્રના નિયમો મુજબ મંદિરના પરિસરને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવવો જોઈએ. આનાથી મંદિરની પવિત્રતા જળવાશે અને કરોડો ભાવિકોની સલામતી, આસ્થા અને લાગણી સંતોષાશે.’
ટેક્નૉલૉજીની મહત્તા છે, પણ એ ભગવાનને બદલી શકે નહીં એમ જણાવીને બી. આર. નાયડુએ ઉમેર્યું હતું કે ‘ટેક્નૉલૉજી એક ચીજ છે અને ભગવાન એ ભગવાન છે. વૈજ્ઞાનિકને પણ ભગવાને બનાવેલી ડેસ્ટિનીને સ્વીકારવી પડે છે. ભગવાન બધું કરે છે. આપણે આપણી ડ્યુટી બજાવવી જોઈએ.’