19 September, 2026 08:51 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
મમતા બૅનરજી, ઋતબ્રત બૅનરજી
૬ ઑક્ટોબરે નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠક માટે થનારી પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસના વિભાજિત થયેલાં ગ્રુપોમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને બળવાખોર ઋતબ્રત બૅનરજીના જૂથનાં નવાં નામોની જાહેરાત કરી છે. મમતા બૅનરજીની પાર્ટીનું નામ ‘મમતા ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉન્ગ્રેસ’ રાખવામાં આવ્યું છે. બળવાખોર ઋતબ્રત બૅનરજીના જૂથનું નામ ‘ડેમોક્રૅટિક તૃણમૂલ કૉન્ગ્રેસ’ રાખવામાં આવ્યું છે. ચૂંટણીપંચે બન્ને પક્ષોને અલગ-અલગ ચૂંટણીચિહ્ન પણ આપ્યાં છે. મમતા બૅનરજીના પક્ષનું ‘ફુટબૉલ પ્લેયર’ અને ઋતબ્રત બૅનરજીના પક્ષનું ‘એન્વલપ’ ચૂંટણીચિહ્ન હશે.
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કૉન્ગ્રેસમાં ભાગલા પડ્યા હતા. આ પછી બન્ને જૂથોએ પાર્ટીને લઈને પોતપોતાના દાવા કર્યા હતા. મામલો ચૂંટણીપંચ સુધી પહોંચ્યો હતો. આ પછી પંચે તૃણમૂલ કૉન્ગ્રેસનું નામ અને ચિહ્ન ફ્રીઝ કરી દીધું હતું. હવે ચૂંટણીપંચે બન્ને જૂથોને નવાં નામ અને લોગો આપ્યાં છે, પરંતુ આ વચગાળાનો આદેશ છે. ૬ ઑક્ટોબરે રેજીનગર અને નંદીગ્રામમાં પેટા-ચૂંટણી થવાની છે.