તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓ બરાબરના ગભરાયા છે

03 June, 2026 07:29 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

લોકો પાસેથી મેળવેલા કટ મની પાછા આપવા માંડ્યા

તૃણમૂલ કૉન્ગ્રેસના સહયોગીઓએ પચગઢ ગામના ખેડૂતો પાસેથી લીધેલા ‘કટ મની’ પાછા આપ્યા હતા.

પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના માથાભંગા વિસ્તારમાં તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ગ્રામજનો પાસેથી એકત્રિત કરેલા ‘કટ મની’ પાછા આપવાનું શરૂ કરી દીધું છે. આ ઘટના પચગઢ ગ્રામપંચાયત હેઠળના ફકીરર કુઠી વિસ્તારમાં બની હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોને એક ખાસ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. એક શાળાના મેદાનમાં યોજાયેલી આ બેઠકમાં ઘણા ગ્રામજનોને રોકડ રકમ પાછી આપવામાં આવી હતી. 

પૈસા કેમ લેવામાં આવ્યા?

પચગઢ ગ્રામપંચાયતના બૂથ-પ્રમુખ તપન ડેએ બેઠકમાં હાજર ઘણા લોકોને પૈસા પાછા આપ્યા હતા. જે ગ્રામજનોને પૈસા પાછા મળ્યા તેમણે આનંદ અને ગુસ્સો બન્ને વ્યક્ત કર્યા હતા. એક ગ્રામજને કહ્યું હતું કે ‘જમીન-વિવાદ ઉકેલવાના નામે મારી પાસેથી મોટી રકમ લેવામાં આવી હતી, પરંતુ કંઈ કરવામાં આવ્યું નહોતું. પછીથી મને ખબર પડી કે પૈસા લોકોને પાછા આપવામાં આવી રહ્યા છે. મેં પણ અરજી કરી અને આજે મને મારા પૈસા પાછા મળી ગયા હતા.’

અમિત માલવીયએ વિડિયો શૅર કર્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) વિભાગના વડા અમિત માલવીયએ એક વિડિયો શૅર કરતાં લખ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસના સહયોગીઓ દ્વારા ‘કટ મની’ તરીકે એકત્રિત કરાયેલા પૈસા ખુલ્લાં ખેતરોમાં ગ્રામજનોને પાછા આપવામાં આવી રહ્યા છે. ખુલ્લામાં કેમ? કારણ કે જનતાનો ગુસ્સો હવે ચરમસીમાએ છે અને ધરપકડનો ભય વાસ્તવિક છે. મમતા બૅનરજીના શાસન હેઠળ પશ્ચિમ બંગાળના શાસનની આ વાસ્તવિકતા હતી.’

national news india trinamool congress political news west bengal mamata banerjee