19 March, 2026 07:02 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ફૉર્ચ્યુનર કારનો ઍક્સિડન્ટ થયો હતો જેમાં ૩ યુવકો મૃત્યુ પામ્યા હતા.
રાજસ્થાનના કોટા જિલ્લામાં આવેલા દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર ગઈ કાલે સવારે થયેલા ભયાનક માર્ગ-અકસ્માતમાં પુણેના ત્રણ યુવાનોનાં મોત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોની ઓળખ ૨૧ વર્ષના સિદ્ધાંત અલહટ, પચીસ વર્ષના કુણાલ ચોરડિયા અને ૨૩ વર્ષના મયૂરેશ પડાલે તરીકે થઈ છે. ત્રણેય પુણેના પિંપરી-ચિંચવડના રહેવાસી હતા. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વાહનચાલકને ઊંઘ આવી જતાં અથવા ધ્યાનભંગ થતાં આ દુર્ઘટના સર્જાઈ હશે.
પ્રાથમિક માહિતી અનુસાર આ ત્રણેય યુવકો ૧૨ મિત્રોના ગ્રુપ સાથે ૨૬ ફેબ્રુઆરીથી લેહ-લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈને પાછા આવી રહ્યા હતા. તેઓ અલગ-અલગ વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા, જેમાં મૃત્યુ પામેલા યુવકો ફૉર્ચ્યુનર કારમાં આગળ હતા અને તેમના મિત્રો અન્ય બે કારમાં પાછળ આવી રહ્યા હતા. ગઈ કાલે સવારે આશરે સાડાદસ વાગ્યે બલાપુરા અને કરડિયા ગામ વચ્ચે ફૉર્ચ્યુનર કારે કન્ટ્રોલ ગુમાવતાં એ ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ૩૦ ફુટની ઊંચાઈએથી નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં ત્રણેય યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી અને હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.