10 March, 2025 08:20 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
રામ મંદિર
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર કૉમ્પ્લેક્સમાં હોળીને કારણે મંદિરના ઘણા વર્કરો તેમના ગામ જઈ રહ્યા હોવાથી બાંધકામમાં વિલંબ થઈ રહ્યો છે એમ શ્રી રામજન્મભૂમિ મંદિર બાંધકામ સમિતિના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું. આમ છતાં ૧૫ એપ્રિલ સુધીમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ જવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આશરે ૨૦,૦૦૦ ઘનફુટના પથ્થરો હજી મંદિરના બાંધકામમાં ફિટ કરવાના બાકી છે.
૩૦ એપ્રિલ સુધીમાં મૂર્તિઓ લાગશે
મંદિરમાં મૂર્તિ લગાવવાના મુદ્દે નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે ગોસ્વામી તુલસીદાસની પ્રતિમા આજે લગાવવામાં આવશે અને બાકીની મૂર્તિઓ ૨૫ માર્ચથી ૧૫ એપ્રિલ સુધીમાં અને મોડામાં મોડી ૩૦ એપ્રિલ સુધીમાં લગાવી દેવામાં આવશે.
જાન્યુઆરી મહિનામાં નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે માર્ચ મહિના સુધીમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ જશે. જોકે પરિક્રમા માર્ગના સુશોભીકરણના કાર્યને કારણે એમાં વિલંબ થયો છે.
રામ મંદિર નાગર સ્ટાઇલમાં બાંધવામાં આવી રહ્યું છે. એની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) ૩૮૦ ફુટ, પહોળાઈ ૨૫૦ ફુટ અને ઊંચાઈ ૧૯૧ ફુટ છે. એમાં ૩૯૨ પિલર્સ અને ૪૪ દરવાજા છે.