19 June, 2024 06:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીના ચાંદની ચોકના ધરમપુર વિસ્તારમાં આવેલા નયા જૈન મંદિરના પ્રાંગણમાં ખરીદેલા બકરાઓને રાખવામાં આવ્યા છે.
દિલ્હીમાં જૈન સમુદાયે બકરી ઈદના દિવસે ૧૨૪ બકરાઓની કતલ રોકી હતી. આ માટે તેમણે ગુજરાત, હૈદરાબાદ, કેરલા, પંજાબ અને મહારાષ્ટ્રમાં જૈન સમુદાયના સભ્યો પાસેથી ૧૫ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ૨૮ વર્ષના ચિરાગ જૈને જણાવ્યું હતું કે ‘અમે બકરી ઈદ પર શક્ય એટલા બકરાઓને બચાવવાની યોજના બનાવી હતી. ૧૫ જૂનની સાંજે પચીસ લોકોની ટીમે જ્યાં બકરા વેચવામાં આવી રહ્યા હતા ત્યાં સર્વે કર્યો હતો. ૧૬ જૂને આ ટીમ મુસ્લિમોનો વેશ ધારણ કરીને જામા મસ્જિદ, મીના બજાર, મતિયા મહેલ અને ચિતલી કાબર જેવા જૂની દિલ્હીના વિવિધ વિસ્તારમાં પહોંચી હતી અને બકરાઓને ખરીદીને ઉગારી લીધા હતા.’
જૈન સમુદાયના અન્ય એક સભ્ય વિવેક જૈનનું કહેવું છે કે ‘બકરા બજારમાં એવો માહોલ હતો જાણે અમે રસ્તા પરથી કપડાં ખરીદી રહ્યા છીએ. તેમને આ પ્રાણીઓ માટે કોઈ જ સંવેદના ન હતી. અમે ભાવતાલ કરાવીને એક બકરાને લગભગ ૧૦,૦૦૦ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલ આ બકરાઓને જામા મસ્જિદથી લગભગ ૫૦૦ મીટર દૂર ચાંદની ચોકના મંદિરમાં રાખવામાં આવ્યા છે. આ મૂંગાં પ્રાણીઓ બહુ ભયભીત છે, કેમ કે એમને એવું લાગે છે કે અહીં કતલ માટે લાવવામાં આવ્યાં છે. અમે જૈન મંત્ર બોલીને તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’