29 October, 2026 09:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન કપાયેલાં નામોના મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ પાસેથી સ્પષ્ટ આંકડાની માગણી કરી હતી. કોર્ટે પૂછ્યું હતું કે દૂર કરાયેલાં ૪૭.૫ લાખ નામોમાંથી લગભગ ૪૩ લાખ મતદારોને ‘શિફ્ટેડ’ દર્શાવવામાં આવ્યા છે તો એમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલા ખરેખર અન્ય સ્થળે સ્થળાંતરિત થયા છે એનો ચોક્કસ ડેટા ક્યાં છે.
અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે ૪૩ લાખમાંથી ૩૧ લાખથી વધુ લોકોને કાયમી સ્થળાંતરિત અને ૧૧.૭૩ લાખ લોકોને તેમના સરનામે નહીં મળેલા દર્શાવાયા છે. ચૂંટણીપંચ આવા લોકોને નવેસરથી નોંધણી માટે ફૉર્મ ૬ ભરવા કહી રહ્યું છે. આ ફૉર્મમાં અગાઉ મતદારયાદીમાં નામ ન હોવાનું અને અગાઉ મતદાન ન કર્યું હોવાની ઘોષણા કરવાની હોય છે. આ વિશે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે પોતાની સ્થિતિને અનુરૂપ ન હોય એવી ઘોષણા કરવા લાખો લોકોને મજબૂર ન કરી શકાય.
જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે ફૉર્મ ૬, ફૉર્મ ૭ અને ફૉર્મ ૮ કાયદા હેઠળ નિર્ધારિત છે અને એમાં ફેરફાર કરી શકાય નહીં. જોકે ગણતરી ફૉર્મનો જવાબ કેમ ન આપ્યો એની ઘોષણા માગી શકાય. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીએ ચૂંટણીપંચને કડક સમયમર્યાદા વિના પ્રક્રિયા ચાલુ રાખવા કહ્યું.
બદલાયેલા સરનામાવાળા અને ગણતરી ફૉર્મ નહીં ભરી શકેલા લોકોને જૂની વિગતો સાથે ફૉર્મ ૮ અથવા ગણતરી ફૉર્મ ભરવાની મંજૂરી આપવા તથા ફૉર્મ ૬ માટે દબાણ ન કરવા પણ નિર્દેશ અપાયો હતો. અખબારો અને ઑનલાઇન માધ્યમો દ્વારા નોટિસ જાહેર કરવા તેમ જ દૂર કરાયેલા મતદારોની યાદી મતદાનમથકની બહાર મૂકવા પણ સૂચના અપાઈ હતી.