✕

બળાત્કાર કેસના આરોપી જજ કરી રહ્યા હતા પૉક્સો કેસની સુનાવણીઃ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈ કોર્ટને નોટિસ મોકલી

05 November, 2026 11:06 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અલાહાબાદ હાઈ કોર્ટે શરૂઆતમાં સંબંધિત કેસમાં એક અરજી ફગાવી દીધી હતી

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશમાં બળાત્કારના કેસમાં આરોપી હોવા છતાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્શ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) અૅક્ટ હેઠળના કેસનો હવાલો સંભાળવાનું ચાલુ રાખનારા એક જુડિશ્યલ ઑફિસર સામે દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે અલાહાબાદ હાઈ કોર્ટના પ્રશાસનને નોટિસ ફટકારી હતી. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ આદેશ આપ્યો હતો. ટૂંકા આદેશમાં બેન્ચે નોટિસ આપવાનો અને ૧૧ ડિસેમ્બર સુધીમાં જવાબ માગવાનો આદેશ આપ્યો હતો. આ કેસ ઉત્તર પ્રદેશના એક અૅડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે સંકળાયેલો છે.

અલાહાબાદ હાઈ કોર્ટે શરૂઆતમાં સંબંધિત કેસમાં એક અરજી ફગાવી દીધી હતી. ઉત્તર પ્રદેશના એક અૅડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પર એક મહિલા પર જાતીય હુમલો કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

અરજદારનું પ્રતિનિધિત્વ કરતા અૅડ‍્વોકેટ રાકેશ કુમાર સિંહે બેન્ચને કહ્યું હતું કે ‘આ વ્યક્તિ પાસેથી ઓછામાં ઓછી જજની જુડિશ્યલ ફરજો પાછી ખેંચી લેવામાં આવવી જોઈએ, પરંતુ અલાહાબાદ હાઈ કોર્ટે અમારી અરજી ફગાવી દીધી હતી.’ 

અરજદારે ૨૦૨૨માં ૮ ડિસેમ્બરે મયૂર વિહાર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો. એમાં તેણે એક જુડિશ્યલ ઑફિસર પર આરોપ મૂક્યો હતો કે તે આરોપીને મૅટ્રિમોનિયલ સાઇટ પર મળી હતી. આરોપીએ વારંવાર લગ્નનાં ખોટાં વચનો આપીને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ૨૦૨૩ના જાન્યુઆરીમાં દિલ્હી પોલીસે અલાહાબાદ હાઈ કોર્ટ પાસેથી જુડિશ્યલ ઑફિસર સામે કાર્યવાહી કરવાની પરવાનગી માગી હતી. મહિલાએ કહ્યું હતું કે બે મહિના પછી દિલ્હી હાઈ કોર્ટે જુડિશ્યલ ઑફિસરને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું, પણ પોલીસને તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

national news india allahabad Protection of Children from Sexual Offences Act POCSO sexual crime supreme court