સરકારી સ્કૂલમાં પરવાનગી વિના પ્રવેશીને કોઈ પણ વ્યક્તિ ફોટો-વિડિયો નહીં લઈ શકે

04 September, 2026 11:27 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેના અભિયાન બાદ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાને લગાવેલા પ્રતિબંધને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટ

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારી સ્કૂલોમાં બહારની વ્યક્તિઓ અને પત્રકારોના પ્રવેશ તેમ જ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર મુકાયેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે. આ નિયમને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

નોંધનીય છે કે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે દ્વારા ચલાવવામાં આવેલા ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન બાદ આ વિવાદ વકર્યો હતો. યુટ્યુબર્સ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો દ્વારા સ્કૂલોમાં ઘૂસીને શિક્ષકો પર દબાણ ઊભું કરવાની ઘટનાઓ સામે આવી હતી. આથી રાજસ્થાને ૧૬ ઑગસ્ટે અને ઉત્તર પ્રદેશે ૧૯ ઑગસ્ટે સત્તાવાર આદેશ બહાર પાડીને સ્કૂલ પરિસરમાં અગાઉથી મંજૂરી લીધા વિના પ્રવેશ તેમ જ લાઇવ સ્ટ્રીમિંગ પર કડક પ્રતિબંધ મૂક્યો હતો.

વકીલ નરેન્દ્ર મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે આ પ્રતિબંધ નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે દલીલ કરી હતી કે સ્કૂલોમાં પીવાનું પાણી અને શૌચાલય જેવી પાયાની ખામીઓ ઉજાગર કરવા માટે રેકૉર્ડિંગ જરૂરી છે. જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવી દેતાં હવે સ્કૂલોમાં મંજૂરી વિના પ્રવેશ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે.

national news india uttar pradesh rajasthan supreme court cockroach janata party