સાબરમતી એક્સપ્રેસને અકસ્માત: અમદાવાદ આવતી ટ્રેન ટ્રેક પરના પથ્થર સાથે અથડાઇ

17 August, 2024 02:40 PM IST  |  Kanpur | Gujarati Mid-day Online Correspondent

Sabarmati Express Accident: રેલવેએ આપેલી માહિતી મુજબ પાટા પરથી ઉતરી જવાને કારણે માર્ગની સાત ટ્રેનો રદ કરવામાં આવી છે અને ત્રણને ડાયવર્ટ કરવામાં આવી છે.

સાબરમતી એક્સ્પ્રેસના કોચ ટ્રેક પરથી સરકી ગયા બાદ પ્રવાસીઓને બાહર કાઢવામાં આવ્યા હતા (તસવીર: PTI)

સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર (Sabarmati Express Accident) ટ્રેનના 20 ડબ્બા કાનપુરના ગોવિંદપુરી સ્ટેશન નજીક શનિવારે વહેલી સવારે પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એસ્ક્પ્રેસ ટ્રેનનું એન્જિન ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાયું હતું, જો કે  અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી, એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.

વારાણસી-અમદાવાદ ટ્રેન કાનપુર (Sabarmati Express Accident) અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સવારે 2.35 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના અંગે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ટ્રેનના લોકો પાયલોટે કહ્યું કે કેટલાક બોલ્ડર (મોટા પથ્થર) એન્જિનના કેટલ ગાર્ડ (આગળના ભાગ) ને અથડાયા જને લીધે તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત અને વાંકા થઈ ગયા હતા. રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ જવાબદાર બદમાશો અથવા અસામાજિક તત્વો સામેલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે એન્જિન ટ્રેક પર મૂકવામાં આવેલી કોઈ વસ્તુ સાથે અથડાયું છે. “અમને ટ્રેનના 16મા કોચ પાસે વિદેશી સામગ્રી મળી આવી હતી. એન્જિનના કેટલ ગાર્ડના ક્ષતિગ્રસ્ત ભાગના કદને જોતા એવું લાગે છે કે એન્જિન આ વિદેશી વસ્તુ સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

રેલવેએ આપેલી માહિતી મુજબ પાટા પરથી ઉતરી જવાને કારણે માર્ગની સાત ટ્રેનો રદ કરવામાં આવી છે અને ત્રણને ડાયવર્ટ કરવામાં આવી છે. ઉત્તર મધ્ય રેલવે (Sabarmati Express Accident) ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) શશીકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળ પરથી મુસાફરોને કાનપુર રેલવે સ્ટેશન સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, "આ ઉપરાંત, મુસાફરોને કાનપુર પાછા લઈ જવા માટે આઠ કોચવાળી MEMU ટ્રેન કાનપુરથી દુર્ઘટના સ્થળ તરફ રવાના થઈ હતી જેથી કરીને તેમને તેમના સંબંધિત સ્થળોએ મોકલવા માટે વધુ વ્યવસ્થા કરી શકાય."

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું હતું કે “સાબરમતી એક્સપ્રેસનું એન્જિન આજે સવારે 02.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર મૂકેલી વસ્તુ સાથે અથડાયું હતું અને પાટા પરથી ઉતરી ગયું હતું. ટ્રેનના એન્જિનમાં (Sabarmati Express Accident) શાર્પ નિશાન જોવા મળી રહ્યો છે. આ ઘટનાના દરેક પુરાવા સુરક્ષિત છે. આઈબી અને યુપી પોલીસ પણ તેના પર કામ કરી રહી છે. મુસાફરો કે સ્ટાફને કોઈ ઈજા નથી. અમદાવાદની આગળની મુસાફરી માટે મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટના બાદ નિર્માણ થયેલો સ્થિતિનો વીડિયો હવે સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે ટ્રેનના 20 જેટલા ડબ્બા ટ્રેક પરથી ખરી પડ્યા છે.

ahmedabad Sabarmati Riverfront train accident varanasi ashwini vaishnaw national news kanpur