04 March, 2025 10:18 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
મંદિરના પ્રવેશદ્વાર પર લાખો જૂતાં અને ચંપલ જમા થયાં છે
અયોધ્યામાં રામલલાનાં દર્શન કરવા આવનારા ભાવિકોની સંખ્યા મહાકુંભના કારણે વધી ગઈ હોવાથી ક્રાઉડ-મૅનેજમેન્ટ માટે મંદિર પ્રશાસને નિયમોમાં જે ફેરફાર કર્યા હતા એના કારણે મંદિરના પ્રવેશદ્વાર પર લાખો જૂતાં અને ચંપલ જમા થયાં છે. આ ચંપલને મશીનોની મદદથી ટ્રૉલીઓમાં ભરીને બીજા સ્થળે ડમ્પ કરવામાં આવી રહ્યાં છે.
રામમંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર ગેટ નંબર એક રામ પથ પર સ્થિત છે. અહીં દર્શન કરવા આવતા ભક્તોનાં જૂતાં-ચંપલ જમા કરાવવામાં આવે છે. મંદિર પરિસરનું અડધો કિલોમીટરનું ચક્કર લગાવી ભાવિકો ફરી ત્યાં આવીને જૂતાં લઈ શકે છે, પણ ભીડ નિયંત્રિત કરવા માટે ભક્તોને હવે ગેટ નંબર ત્રણ કે અન્ય ગેટથી બહાર કાઢવામાં આવે છે. રામ પથ વન-વે હોવાથી ભક્તોને તેમનાં ચંપલ પાછાં લેવા આવવા માટે ઘણું અંતર કાપવું પડે છે. આના કારણે ઘણા ભાવિકો ચંપલ લીધા વિના જ જતા રહે છે અને એથી ગેટ નંબર એક પર જૂતાંનો ઢગલો જમા થઈ રહ્યો છે.