15 March, 2025 08:32 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
વાઘણ ST-2 કે જેને રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવતી હતી
રાજસ્થાનમાં આવેલા સરિસ્કાના જંગલમાં વાઘણ ST-2 કે જેને રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવતી હતી એની લાઇફસાઇઝ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે. અધિકારીઓએ આ વાતને પુષ્ટિ આપી હતી કે આ પહેલી વાઘણ છે જેની પ્રતિમા સરિસ્કામાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમાને બનાવવામાં બાંસવાડાના સફેદ માર્બલ અને જેસલમેરના લાલ રંગના સૅન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એને ૧૨ ફુટ પહોળા, પાંચ ફુટ ઊંચા અને ચાર ફુટ ઊંડા પેડસ્ટલ પર મૂકવામાં આવશે.
આ વાઘણની પ્રતિમા ૯ ફુટ લાંબી, ૪ ફુટ પહોળી અને ૪ ફુટ ઊંચી હશે જે જંગલમાં ફરતા વાઘ જેવી જ દેખાશે. આશરે ૭ ટનની આ પ્રતિમા બનાવવાનો ખર્ચ ૭ લાખ રૂપિયા થવાનો અંદાજ છે અને માર્ચ મહિનાના અંત સુધીમાં એ કાર્ય પૂર્ણ થશે.
સરિસ્કા ટાઇગર રિઝર્વની વાઘણ ST-2એ પાર્કમાં વાઘની વસ્તીને વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લગભગ વીસ વર્ષ પહેલાં બેફામ શિકારને કારણે સરિસ્કામાં વાઘ લુપ્ત થઈ ગયા હતા.
સ્થળાંતરના પ્રયાસોને કારણે વાઘ ફરીથી અહીં લાવવામાં આવ્યા અને આજે વાઘની વસ્તી વધી રહી હોવાથી આ ટાઇગર રિઝર્વ સારી એવી સંખ્યામાં વાઘ ધરાવે છે. ૨૦૦૮માં વાઘણ ST-2 અને વાઘ ST-1ને રણથંભોરથી સરિસ્કા લાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ વાઘણ ST-2એ ટાઇગર રિઝર્વમાં વાઘના પરિવારમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. એ ૨૦૧૦ અને ૨૦૧૪માં બે વાર માતા બની અને ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો. એમાંથી ત્રણ વાઘણ ST-7, ST-8, ST-14 અને એક વાઘ ST-13એ વાઘના વંશનો વધુ વિસ્તાર કર્યો.
આજે સરિસ્કામાં ૪૨ વાઘમાંથી ૧૮ વાઘ ST-2ના પરિવારના છે. તેમના વિશાળ યોગદાનને કારણે સરિસ્કા પ્રશાસને એક દાયકા પહેલાં એને રાજમાતાના બિરુદથી સન્માનિત કરી હતી.
કમનસીબે એની પૂંછડીમાં લાગેલા ચેપને કારણે ૨૦૨૪ની ૯ જાન્યુઆરીએ ૧૯ વર્ષની વયે એનું મૃત્યુ થયું હતું.
સરિસ્કાને ૨૦૦૪-’૦૫માં વાઘવિહીન જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલાં એમાં ૪૦ વાઘ રહેતા હતા. ત્યાર બાદ રીલોકેશન પ્રોજેક્ટ હેઠળ ૨૦૦૮ની ૪ જુલાઈએ વાઘ ST-1 અને વાઘણ ST-2ને સરિસ્કામાં લાવવામાં આવ્યાં હતાં. આ સારી શરૂઆત હતી અને એમના વંશરૂપે આજે ૪૨ વાઘ સરિસ્કામાં છે. આ વસ્તી વધારવામાં વાઘણ ST-2નું યોગદાન અજોડ છે. હવે એનો વારસો ભવ્ય પ્રતિમા દ્વારા જીવંત રહેશે.