✕

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વાર ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો

04 November, 2026 10:25 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ પહેલાં રાહુલ ગાંધીએ બીજી નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી જાહેર ચર્ચા માટે આપેલા પડકારનો પુનરુચ્ચાર કર્યો છે. આ વખતે તેમણે પોતાના હાથમાં ગુલાબનું ફૂલ પકડીને આ સંદેશ આપ્યો છે. તેમણે વિરોધ પક્ષ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કામ કરી રહ્યો હોવાના આક્ષેપો પર સવાલ ઉઠાવ્યા અને વિદેશી પ્રભાવ, રાજકીય ભંડોળ તથા સરકારના નિર્ણયોના મુદ્દે સામસામે ચર્ચા કરવાની માગણી કરી હતી.

આ પહેલાં રાહુલ ગાંધીએ બીજી નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઑક્ટોબરે વિપક્ષની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિદેશમાં રાષ્ટ્રવિરોધી શક્તિઓ સાથે કામ કરીને દેશને નબળો પાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ આ જ આરોપ પર વડા પ્રધાનને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.  

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X (ટ્‍‌વિટર) પર શૅર કરવામાં આવેલા એક વિડિયો-સંદેશમાં રાહુલ ગાંધીએ વડા પ્રધાનને યાદ અપાવ્યું કે તેમના મૂળ પડકારને આપ્યાને ૨૪ કલાક વીતી ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મોદીજી, ૨૪ કલાક થઈ ગયા છે. મેં તમને પડકાર ફેંક્યો છે. તમે કહો છો કે વિપક્ષ દેશદ્રોહી છે. કોઈ પણ મંચ પર, સ્થાન તમે પસંદ કરો અને મારી સાથે ચર્ચા કરો. દેશદ્રોહી કોણ છે? વિદેશી તાકાતો સાથે કોના સંબંધો છે અને કેવા પ્રકારના સંબંધો છે? શક્ય એટલું ઝડપથી કરો, ડરશો નહીં. આપણે બન્ને મળીશું; મીડિયા હશે, દેશના યુવાનો હશે અને ટેબલ હશે. તમે એક બાજુ બેસશો અને હું બીજી બાજુ બેસીશ. તમે જેને ન્યાયાધીશ બનાવવા માગો છો, તેમને બેસાડો. મોહન ભાગવતને બેસાડો, આવો અને પછી આપણે ચર્ચા કરીશું. સવાલ ઊઠશે ફાઇનૅન્શિયલ સિસ્ટમ પર, ફાઇનૅન્શિયલ સ્ટ્રક્ચર પર, અમેરિકા સાથે ડીલ કેવી રીતે થઈ, કેમ થઈ, બધી જ વાતો ઊઠશે.’

national news india rahul gandhi narendra modi political news congress indian politics