બાંગ્લાય પરિવર્તન હોએ ગેછે! ગંગોત્રી સે ગંગાસાગર તક કમલ હી કમલ

05 May, 2026 08:48 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળમાં વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું BJP હેડક્વૉર્ટરમાં કાર્યકરોને સંબોધન

ગઈ કાલે દિલ્હીમાં અને પટનામાં વિજયોત્સવ મનાવતા BJPના કાર્યકરો.

પશ્ચિમ બંગાળમાં BJPની જીત પર પાર્ટીના નવી દિલ્હીના હેડક્વૉર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લા ભાષામાં કહ્યું હતું કે બાંગ્લાય પરિવર્તન હોએ ગેછે. તેમણે કહ્યું હતું કે ગંગોત્રી સે ગંગાસાગર તક કમલ હી કમલ હૈ.

હવે રાજ્યમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને પશ્ચિમ બંગાળ સરકારની પહેલી કૅબિનેટમાં આયુષ્માન ભારતને મંજૂરી આપવામાં આવશે એમ જણાવતાં વડા પ્રધાને કહ્યું હતું કે રાજ્યમાં મહિલાઓને સુરક્ષાનું વાતાવરણ મળશે, યુવાનોને રોજગાર મળશે અને સ્થળાંતર બંધ થશે.

પશ્ચિમ બંગાળ, આસામ અને પૉન્ડિચેરીમાં સરકાર બનાવવા અંગેના તેમના ૪૭ મિનિટના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગંગોત્રીથી ગંગાસાગર સુધી ફક્ત કમળ ખીલ્યું છે. જ્યારે વર્ષોની સાધના સિદ્ધિમાં ફેરવાય છે ત્યારે હું કાર્યકરોના ચહેરા પર એ ખુશી જોઈ રહ્યો છું.’

વડા પ્રધાને બીજું શું કહ્યું?

ગંગોત્રીથી ગંગાસાગર સુધી BJP

ગયા વર્ષે ૧૪ નવેમ્બરે મેં અહીંથી કહ્યું હતું કે ગંગાજી બિહારથી આગળ વધીને ગંગાસાગર પહોંચે છે. બંગાળની જીત સાથે ગંગોત્રીથી ગંગાસાગર સુધી થોડાં કમળ ખીલ્યાં નથી. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે પશ્ચિમ બંગાળ. આજે મા ગંગાની નજીક આવેલાં રાજ્યોમાં BJP-NDA સરકાર છે. ૨૦૧૩માં BJPએ મને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદ કર્યો અને જ્યારે હું ફૉર્મ ભરવા કાશી ગયો ત્યારે મારા હૃદયમાંથી એક વાત નીકળી કે મને કોઈએ મોકલ્યો નથી, મા ગંગાએ મને બોલાવ્યો છે.

બંગાળને બદલાની નહીં, પરિવર્તનની જરૂર

બંગાળના ભાગ્યમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પશ્ચિમ બંગાળ ભયથી મુક્ત થયું છે. પહેલી વાર ભયની નહીં, લોકશાહીની જીત થઈ છે. જ્યારે BJP જીતી છે ત્યારે આપણે બદલાની નહીં પરિવર્તનની વાત કરવી જોઈએ, આપણે ભયની નહીં ભવિષ્યની વાત કરવી જોઈએ. હું બધા પક્ષોના કાર્યકરોને અપીલ કરું છું : ચાલો, હિંસાના આ અનંત ચક્રનો કાયમ માટે અંત લાવીએ. ચાલો, કોણે કોને મત આપ્યો અને કોણે નહીં એ પ્રશ્નથી આગળ વધીને કામ કરીએ.

માતા કામાખ્યાના આશીર્વાદ

મને લાગે છે કે માતા ગંગાના આશીર્વાદ આપણા બધા પર છે. માતા બ્રહ્મપુત્ર અને માતા કામાખ્યાએ પણ આપણા બધા પર આશીર્વાદ આપ્યા છે. આસામના લોકોએ ત્રીજી વખત NDA પર વિશ્વાસ મૂક્યો છે. આસામના ઇતિહાસમાં આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. BJPને આસામના ચાના બગીચા વિસ્તારોમાં પણ સમર્થન મળ્યું છે. આસામ હવે વિકાસની ગતિને વધુ વેગ આપશે.

પૉન્ડિચેરીના યુવાનો માટે કાર્ય ચાલુ રહેશે

૨૦૨૧માં અમે પૉન્ડિચેરીના લોકોને શ્રેષ્ઠ પૉન્ડિચેરીનું વિઝન રજૂ કર્યું અને તેમણે એ વિઝનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ વિઝનને વેગ આપવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવામાં આવ્યું છે. હું પૉન્ડિચેરીના યુવાનો અને મારા સાથી માછીમારોને ખાતરી આપું છું કે NDA તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરવાનું ચાલુ રાખશે.

અંગ, બંગ અને કલિંગ - સમૃદ્ધભારતની ઓળખ

ભારત સમૃદ્ધ હતું ત્યારે એના ૩ મજબૂત સ્તંભો અંગ (હાલનું બિહાર), બંગ (હાલનું બંગાળ) અને કલિંગ (હાલનું ઓડિશા) હતા. એ સમયે કલિંગ હિન્દી મહાસાગરમાં દરિયાઈ વેપારનો સમ્રાટ હતો. અંગ કપાસ અને રેશમનું કેન્દ્ર હતું તેમ જ નાલંદા અને વિક્રમશિલા જેવાં શૈક્ષણિક કેન્દ્રો હતાં અને બંગા એ સાંસ્કૃતિક ભૂમિ હતી જ્યાંથી ભારતના આત્માનો અવાજ નીકળતો હતો.

મહિલા અનામતનો વિરોધ કરનારાઓને પાઠ મળ્યો

ભારતનો મહત્ત્વપૂર્ણ સ્તંભ છે મહિલા શક્તિ. કૉન્ગ્રેસ અને એના સાથીઓએ થોડા દિવસ પહેલાં મહિલા શક્તિની ગતિ અટકાવી દીધી હતી. આ મહિલાવિરોધી પક્ષોએ નારી શક્તિ સુધારો પસાર થવા દીધો નહોતો. મેં થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે મહિલા અનામતનો વિરોધ કરનારા આવા પક્ષોને મહિલાઓના રોષનો સામનો કરવો પડશે.

ભારતમાં ક્યાંય પણ સામ્યવાદી સરકાર નથી

આજે એક પણ રાજ્ય એવું નથી જ્યાં સામ્યવાદી પક્ષની સરકાર હોય. આ ફક્ત રાજકારણમાં પરિવર્તન નથી, આ વિચારસરણીમાં પરિવર્તન છે. આ દર્શાવે છે કે વિકાસશીલ ભારત કઈ દિશામાં આગળ વધવા માગે છે. આજનું ભારત વિકાસ, વિશ્વાસ અને પ્રગતિ ઇચ્છે છે. એ એવું રાજકારણ ઇચ્છે છે જે દેશને આગળ લઈ જાય. આખો દેશ સામ્યવાદથી દૂર થઈ ગયો છે. ભારતના લોકોએ આ રાજકારણનો જવાબ આપ્યો છે. તેઓ કહે છે કે તેઓ વિકાસ ઇચ્છે છે, સંઘર્ષ નહીં; તેઓ એકતા ઇચ્છે છે, વિભાજન નહીં.

national news india west bengal bhartiya janta party bjp bharatiya janata party narendra modi