વડા પ્રધાને ક્રિસમસ વેકેશનમાં કોરોનાથી બચવા માટેના ઉપાયો અપનાવવા કહ્યું

26 December, 2022 10:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતે ૨૨૦ કરોડથી વધુના અદ્વિતીય વૅક્સિનેશનના ડોઝની સાથે દુનિયામાં પોતાના માટે વિશેષ સ્થાન બનાવ્યું છે

નરેન્દ્ર મોદી

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના અનેક દેશોમાં ફેલાઈ રહ્યો હોવાનું જણાવીને લોકોને સચેત રહીને આ વાઇરસથી બચવા માટેના ઉપાયોનું પાલન કરવા ગઈ કાલે જણાવ્યું હતું. 
 
આ વર્ષના તેમના છેલ્લા ‘મન કી બાત’ પ્રસારણમાં તેમણે કહ્યું હતું કે ‘ક્રિસમસ અને ન્યુ યરના આ સમયગાળામાં અનેક લોકો વેકેશન પર છે કે પછી હવે જશે. આવા લોકોને માસ્ક પહેરવા અને હાથ વૉશ કરવા જેવા કોરોનાથી બચવા માટેના ઉપાયો અપનાવવાની વિનંતી છે. જેથી તેમનો વેકેશનનો આનંદ આ વાઇરસના કારણે મુશ્કેલીમાં ન ફેરવાઈ જાય.’
 
વડા પ્રધાને કહ્યું હતું કે ‘વિદાય લઈ રહેલા ૨૦૨૨ અનેક રીતે ભારત માટે પ્રેરણાદાયી છે. ભારતે ૨૨૦ કરોડથી વધુના અદ્વિતીય વૅક્સિનેશનના ડોઝની સાથે દુનિયામાં પોતાના માટે વિશેષ સ્થાન બનાવ્યું છે. સાથે જ દેશ પાંચમા નંબરની સૌથી વિશાળ ગ્લોબલ ઇકૉનૉમી પણ બન્યો છે.’

આરોગ્ય ક્ષેત્ર વિશે તેમણે કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે આરોગ્ય ક્ષેત્રમાં અનેક પડકારોનો સામનો કર્યો છે. જેની ક્રેડિટ આપણા મેડિકલ એક્સપર્ટ્સ, સાયન્ટિસ્ટ્સ અને દેશના લોકોની ઇચ્છાશક્તિને જાય છે. આપણે  અનેક રોગોને નાબૂદ કર્યા છે.’

227
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા છે અને આ સાથે જ ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૪૨૪ થઈ છે. 

national news coronavirus narendra modi covid19 covid vaccine new delhi