11 November, 2024 12:00 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદા લોકોને રડાવી રહી છે કારણ કે ઘણા શહેરોના બજારોમાં કાંદાનો ભાવ (Onion Price Soaring) વધી ગયા છે. જેનાથી સામાન્ય લોકો પરેશાન છે. ડુંગળીના ભાવમાં વધારાને કારણે દિલ્હી (Delhi), મુંબઈ (Mumbai) અને લખનઉ (Lucknow) સહિત દેશના અનેક શહેરોમાં લોકોની આંખો ભીની થવા લાગી છે. જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત ૪૦થી ૬૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૭૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જેને કારણે ગૃહિણીઓનું માસિક બજેટ પણ ખોરવાઈ ગયું છે.
ન્યુઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતા, દિલ્હીના એક માર્કેટમાં એક વિક્રેતાએ કહ્યું કે, ‘ડુંગળીની કિંમત ૬૦ રૂપિયાથી વધીને ૭૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અમે તેને બજારમાંથી ખરીદીએ છીએ, તેથી ત્યાંથી મળતા ભાવ અમે તેને જે ભાવે વેચીએ છીએ તેના પર અસર કરે છે. વધતી કિંમતોને કારણે વેચાણમાં ઘટાડો થયો છે, પરંતુ લોકો હજુ પણ તેને ખરીદી રહ્યા છે કારણ કે તે ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે.’
કાંદાની વધતી કિંમતો પર પોતાની નારાજગી વ્યક્ત કરતા એક વ્યક્તિએ કહ્યું કે, ‘ડુંગળીના ભાવ વધ્યા છે, જ્યારે સિઝનના હિસાબે તે નીચે આવવા જોઈએ. મેં ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી. તેનાથી ઘરની ખાવાની આદતો પર અસર પડી છે. હું સરકારને અપીલ કરું છું કે રોજેરોજ વપરાતા શાકભાજીના ભાવ ઓછામાં ઓછા ઓછા કરો. ૮ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં, દિલ્હીમાં ડુંગળીની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.’
મુંબઈ સહિત દેશના અનેક રાજ્યોમાં કાંદાના ભાવમાં વધારો થયો છે. કિંમતોમાં ઉછાળા અંગે ANI સાથે વાત કરતા મુંબઈના એક ખરીદદારે જણાવ્યું કે, ડુંગળી અને લસણની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. તે બમણું થઈ ગયું છે. જેના કારણે ઘરના બજેટને પણ અસર થઈ છે. મેં ૩૬૦ રૂપિયામાં પાંચ કિલો ડુંગળી ખરીદી.
અન્ય એક ખરીદદારે કહ્યું કે, ‘ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીની કિંમત ૪૦થી ૬૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૭૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પરંતુ સેન્સેક્સના ઉછાળા અને ઘટાડાની જેમ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થશે.’
બજારના એક વિક્રેતાએ જણાવ્યું કે, ‘મોંઘવારીને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ભાવ ૬૦ રૂપિયાથી વધીને ૭૦-૭૫ રૂપિયા થઈ ગયા છે, પરંતુ તે મુખ્ય શાકભાજી છે, તેથી ગ્રાહકો તેને ખરીદી રહ્યા છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તે ૮૦ રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં વેચાઈ રહ્યો છે.’
દેશભરમાં કાંદાના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તે કાંદા ૮૦ રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં વેચાઈ રહી છે. લખનઉમાં પણ કાંદા ૯૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.