મમતા બૅનરજીના પશ્ચિમ બંગાળમાં ૧.૬૭ કરોડ મતદારોનાં SIR ફૉર્મમાં અસંખ્ય લોચા

14 December, 2025 11:16 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

૧૩.૫ લાખ મતદારોનાં એક જ માતા-પિતા, ૧૫ વર્ષની ઉંમર પહેલાં ૧૧ લાખ ૯૫ હજાર મતદારો પિતા બન્યા, ૬ બાળકોના પિતાની સંખ્યા ૨૪ લાખ ૨૧ હજાર, ૪૦ વર્ષની ઉંમર પહેલાં ૩ લાખ ૪૫ હજાર દાદા બની ગયા

મમતા બેનર્જી

ચૂંટણીપંચે અનેક રાજ્યોમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ફૉર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવી છે; પરંતુ પશ્ચિમ બંગાળ, ગોવા, પૉન્ડિચેરી, લક્ષદ્વીપ અને રાજસ્થાનમાં SIR ફૉર્મ ભરવાની અંતિમ તારીખ ગુરુવારે સમાપ્ત થઈ ગઈ છે અને આ રાજ્યોમાં મતદારયાદીનો ડ્રાફ્ટ ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત થશે. જોકે પશ્ચિમ બંગાળમાં દાખલ કરાયેલાં SIR ફૉર્મ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર આશરે ૧.૬૭ કરોડ ફૉર્મમાં ભૂલો મળી આવી છે. ચૂંટણીપંચને મતદારો દ્વારા આપવામાં આવેલી માહિતી પર શંકા છે. ચૂંટણીપંચ આ મતદારોને સુનાવણી માટે બોલાવી શકે છે.

ચૂંટણીપંચ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આશરે ૮૫ લાખ મતદારોના પિતાના નામમાં ભૂલો મળી આવી છે. આશરે ૧૩.૫ લાખ મતદારોનાં માતા-પિતા એક જ છે. આમાંથી ૧૧.૯૫ લાખ મતદારો ૧૫ વર્ષની ઉંમર પહેલાં પિતા બન્યા હતા. ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં ૬ બાળકોના પિતાની સંખ્યા ૨૪.૨૧ લાખ છે. આ સિવાય ૩,૪૫,૦૦૦ મતદારો માત્ર ૪૦ વર્ષની ઉંમર પહેલાં દાદા બન્યા હતા. ચૂંટણીપંચને તેમની ઉંમરની માહિતી અંગે શંકા છે.

રાજ્યના ૧૩.૫ લાખ મતદારો માટે પિતા અને માતા તરીકે એક જ વ્યક્તિ દેખાય છે. આનો અર્થ એ થયો કે કેટલાક પરિવારોમાં માતાને બદલે પિતાનું નામ દેખાય છે, જ્યારે અન્ય પરિવારોમાં પિતાને બદલે માતાનું નામ દેખાય છે. 

national news india mamata banerjee west bengal political news election commission of india