X પર નરેન્દ્ર મોદીના ફૉલોઅર્સનો આંકડો ૧૦ કરોડને પાર

15 July, 2024 06:49 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જગતભરના નેતાઓ, ખેલાડીઓ, સેલિબ્રિટીઓથી ભારતીય વડા પ્રધાન ક્યાંય આગળ નીકળી ગયા છે

નરેન્દ્ર મોદી એક્સ અકાઉન્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦૦ મિલ્યન એટલે કે ૧૦ કરોડ ફૉલોઅર્સની સંખ્યાને વટાવીને અગાઉ ટ્‍વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X (ઍક્સ) પર નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.

ભારતીય નેતાઓ ક્યાંય પાછળ

2.64 - રાહુલ ગાંધીના આટલા કરોડ ફૉલોઅર્સ

2.75- અરવિંદ કેજરીવાલના આટલા કરોડ ફૉલોઅર્સ

1.99 - અખિલેશ યાદવના આટલા કરોડ ફૉલોઅર્સ

આ મુદ્દે ખુશી દર્શાવતાં વડા પ્રધાન મોદીએ ઍક્સ પર લખ્યું હતું કે ‘૧૦૦ મિલ્યનનો આંકડો પાર. આ વાઇબ્રન્ટ માધ્યમ પર રહીને ખુશ છું અને ચર્ચા, વાદવિવાદ, ઇનસાઇટ્સ, લોકોના આશીર્વાદ, રચનાત્મક ટીકા અને બીજા બધાની પ્રસંશા કરું છું. ભવિષ્યમાં પણ એટલા જ વ્યસ્ત સમયની રાહ જોઈ રહ્યો છું.’

કેટલાય દેશોની વસ્તી કરતાં વધારે

વડા પ્રધાન મોદીની આ સિદ્ધિનું એક બીજું પાસું પણ છે. તેમના ફૉલોઅર્સ ન્યુ ઝીલૅન્ડની વસ્તીના ૧૮ ગણા, ઑસ્ટ્રેલિયાની વસ્તીના ૩.૭ ગણા, કૅનેડાની કુલ વસ્તીના ૨.૫ ગણા, ઇટલીની વસ્તીના ૨.૫ ગણા, યુનાઇટેડ કિંગડમની વસ્તીના ૧.૪ ગણા, જર્મનીની વસ્તીના ૧.૨ ગણા વધારે છે.

વિશ્વના નેતાઓથી આગળ
મોદીએ વિશ્વના અન્ય નેતાઓને પણ પાછળ છોડી દીધા છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના ફૉલોઅર્સની સંખ્યા ૩.૮૧ કરોડ છે, દુબઈના શાસક શેખ મોહમ્મદના ૧.૧૨ કરોડ, પૉપ ફ્રાન્સિસના ૧.૮૫ કરોડ, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ૬૫ લાખ, ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીના ૨૪ લાખ ફૉલોઅર્સ છે.

ખેલાડીઓથી પણ આગળ
મોદીએ કેટલાય ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ૬.૪૧ કરોડ ફૉલોઅર્સ છે, એ જ રીતે બ્રાઝિલના ફુટબૉલર નેમાર જુનિયરના ૬.૩૬ કરોડ અને અમેરિકાના બાસ્કેટબૉલ ખેલાડી લેબ્રોન જેમ્સના ૫.૨૯ કરોડ ફૉલોઅર્સ છે.

સેલિબ્રિટીઓથી પણ આગળ
મોદીએ ૯.૫૩ કરોડ ફૉલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી ટેલર ​સ્વિફ્ટ અને ૮.૩૧ કરોડ ફૉલોઅર્સ ધરાવતી લેડી ગાગાને પણ પાછળ છોડી દીધી છે.

યુટ્યુબ પર નરેન્દ્ર મોદીના ફૉલોઅર્સની સંખ્યા ૨.૫ કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર ૯.૧ કરોડ છે.

 

 

national news india narendra modi social media social networking site bharatiya janata party